શ્લોક : ૧૫૮
राज्याङ्गोपायषड्वर्गा ज्ञेयास्तीर्थानि चाञ्जसा ।
व्यवहारविद: सभ्या दण्डयादण्डयाश्च लक्षणै: ॥ ૧૫૮ ॥
અને તે રાજા-તેમણે રાજ્યનાં જે સાત અંગ તથા ચાર ઉપાય તથા છ ગુણ, તે જે તે, લક્ષણે કરીને યથાર્થપણે જાણવાં. અને તીર્થ જે 'ચાર' મોકલ્યાનાં સ્થાનક તથા વ્યવહારના જાણનારા જે સભાસદ તથા દંડવાયોગ્ય જે માણસ તથા દંડવાયોગ્ય નહિ એવા જે માણસ,- એ સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. ॥ ૧૫૮ ॥
ભાવાર્થ
શ્રીહરિના આશ્રિત રાજાઓએ રાજ્યનાં સાત અંગ જે રાજા પોતે, મંત્રી-પુરોહિત, ન્યાયાન્યાય વિભાગનો કર્તા, ખજીનો, દેશ, કિલ્લો અને સૈન્ય તેનો દ્રોહ કરનારને શિક્ષા કરવી. અને સામ- (પ્રિય ભાષણથી સમજાવવું તે); દાન, દંડ અને ભેદ (પરસ્પર ભેદબુદ્ધિ ઉત્પન્ન કરાવી જુદા પાડવા તે) - આ ચાર ઉપાયો છે તેને યથાસ્થાન યોજવા. અને જ્યારે કોઈ ઉપાય ન હોય ત્યારે જે વિરુદ્ધ ચાલતો હોય તેની ઉપેક્ષા કરવી તે પાંચમો ઉપાય છે. વળી 'સંધી' જે મેળાપ કરવો, 'વિગ્રહ' જે શત્રુપક્ષમાં લૂંટ, દાહ વગેરેથી અપકાર કરવો, 'યાન' જે શત્રુ સામે યુદ્ધ કરવા જવું, 'દ્વૈધીભાવ' એટલે પર સૈન્યના બે ભાગલા પાડી દેવા અથવા બળિયા સાથે સંધી ને નિર્બળ સાથે લડાઈ વગેરે, 'સમાશ્રય' જે શત્રુ પીડા પમાડતાં બળવાન રાજાનો આશ્રય કરવો તે, અને 'સ્થાન' જે શક્તિ હણાઈ જતાં સમયની રાહ જોવા- પૂર્વક કિલ્લાદિકથી સુરક્ષિત સ્થાનમાં રહેવું. આ જે છ ગુણ તે જાણવાં.
અને ગુપ્તચર રાખવાનાં સ્થાન જે સ્વપક્ષમાં સેનાપતિ, દ્વારપાલ, સૈનિક માર્ગનો ઉપદેષ્ટા, અંતઃપુરનો અધિપતિ, બંધીખાનાનો અધિકારી, રાજ્યમાં કૃત્ય-અકૃત્ય અર્થોનો પ્રયોજક, ખજીનાનો ઉપરી, નગરોની રક્ષા કરનારાઓનો ઉપરી, નિર્માણ કરેલું કાર્ય કરનારાઓને પગાર ચૂકવનાર, ધર્મમાં ઉપરીપણે રહેલો, ન્યાયાધીશ, દંડ દેનાર અધિકારી, દેશનો પતિ, કિલ્લાનો રક્ષક, વનનો રક્ષક તથા પરપક્ષમાં મંત્રી - આ સર્વેમાં ગુપ્તચર નિયોજવા. સ્વપક્ષના મંત્રી, યુવરાજ ને પુરોહિત પર જાસૂસ રાખવા નહિ.
અને જેમણે ધર્મતત્ત્વવેત્તાઓ થકી અનેક ધર્મોનું શ્રવણ તથા શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય તેવા, ધર્મના રહસ્યને જાણનારા, સત્ય બોલનારા, અયોગ્ય કાર્યનું આચરણ કરવામાં લજ્જાવાળા, જિતેન્દ્રિય, દયાવાન, 'આર્જવ' એટલે મન, વાણી ને દેહ-એ ત્રણેયમાં એકરૂપ હોવાથી સરલતાએ સંપન્ન, તેમ જ શત્રુ તથા મિત્રમાં સમ, માટે જ સભામાં ન્યાય-અન્યાયને તત્ત્વથી સારી રીતે કહેવામાં સમર્થ-આવા લક્ષણવાળા જનોને રાજાએ સભાસદો કરવા.
સ્વધર્મ રહિત, પાખંડી, સજ્જનનો-સત્પુરુષનો દ્રોહ કરનાર, દુર્બળોને પીડનાર અને રાજાની મર્યાદાને ઉલ્લંઘનાર-આ સર્વે દંડને યોગ્ય છે. અને સ્વધર્મનિષ્ઠ બ્રાહ્મણો, 'દુર્બળ' અર્થાત્ વૃદ્ધાવસ્થા કે રોગથી ક્ષીણ શરીરવાળાઓ, ત્યાગીઓ - સંન્યાસીઓ, ભક્તિવાળા, તપસ્વી, તેમ જ માતાપિતા અને ગુરુ-એટલાઓ, રાજાને દંડવા યોગ્ય નથી. વળી દાણ પણ કોની પાસેથી લેવું અને કોની પાસેથી ન લેવું તે પણ રાજાઓએ જાણવું.