શ્લોક : ૧૧૪

गुणिनां गुणवत्ताया ज्ञेयं ह्येतत् परं फलम् ।

कृष्णे भक्तिश्च सत्सड्.गोऽन्यथा यान्ति विदोऽप्यध:श्॥श्૧૧૪ ॥

અને વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ, તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું, કયું ? તો જે શ્રીકૃષ્ણભગવાનને વિષે ભક્તિ કરવી, ને સત્સંગ કરવો. અને એમ ભક્તિ ને સત્સંગ - એ બે વિના તો, વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. ॥ ૧૧૪ ॥

ભાવાર્થ

ગુણિયલ : અર્થાત્ સાંખ્યવિચાર, અષ્ટાંગયોગ, યજ્ઞ, જપ, તપ, વ્રત, વેદાધ્યયન, શાસ્ત્રપઠન, યમ-નિયમ, ત્યાગ-વૈરાગ્ય ઇત્યાદિ અનેક ગુણે યુક્ત હોય, પરંતુ તે સર્વે ગુણો હોવાનું પરમ ફળ શું? તો શ્રીજીમહારાજને વિષે ભક્તિ કરવી અને સત્સંગ કરવો.

હવે 'ભક્તિ' એટલે શ્રીહરિને વિષે જ માહાત્મ્યજ્ઞાને સહિત ઘણો સ્નેહ જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે - તે થાય એને સ્નેહરૂપ ભક્તિ કહી છે. અને 'સત્' એટલે પરબ્રહ્મ પ્રકટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, તેમની મૂર્તિનો સાક્ષાત્કાર થયો હોય એવા સત્પુરુષ, શ્રીહરિના જ એક સંબંધવાળો ભાગવત ધર્મ અને એ ત્રણને અવબોધ કરનારું જે શાસ્ત્ર - આ ચારેય સત્ કહેવાય. ધામમાં રહેલી ભગવાનની મૂર્તિ જેમ દિવ્ય ને કલ્યાણકારી છે તેમ જ મનુષ્ય મૂર્તિ તથા પ્રતિમા મૂર્તિ પણ દિવ્ય ને કલ્યાણકારી છે, એમ જાણી શ્રીહરિની નવપ્રકારે ભક્તિ કરવી ને તેમનું નિરંતર ધ્યાન કરવું, એ 'ભગવાનનો સંગ' કર્યો કહેવાય. ને સંતની સેવા કરવી તથા તેમના થકી આજ્ઞાપાલનની રીત તેમ જ ધ્યાન શીખવાં તે 'સત્પુરુષનો સંગ' કર્યો કહેવાય. ને ધર્મને વિષે સ્થિતિ કરવી; પરંતુ આપત્કાળમાં પણ ધર્મનો ત્યાગ ન કરવો, તે 'ધર્મનો સંગ' કર્યો કહેવાય. અને વચનામૃત આદિ શાસ્ત્રનું વાંચન,

શ્રવણ, મનન, નિદિધ્યાસ રાખવાં - એ 'શાસ્ત્રનો સંગ' કર્યો કહેવાય. આવી રીતે એ ચારનો સંગ કરવો - એનું નામ સત્સંગ કહેવાય છે.

અને સર્વે સાધનનું ફળ એ જ છે જે માયિક વિષયસુખ દુઃખદાયી, દોષરૂપ ને નાશવંત જણાય ને તેમાંથી વૈરાગ્ય થાય અને શ્રી સ્વમિનારાયણ ભગવાનને વિષે ગાઢ પ્રીતિ થાય ને શ્રીહરિના સાર્ધમ્યને પામેલા એવા મોક્ષદાતા સત્પુરુષનો સમાગમ પ્રાપ્ત થાય.

અને આમ જે અતિ પ્રેમે રોમાંચિતગાત્ર ને ગદગદકંઠે કરેલી ભક્તિ તથા સત્સંગ, તેણે કરીને જીવનો આત્યંતિક મોક્ષ થાય છે; અને એ ભક્તિ તથા સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય; એટલે શાસ્ત્રવેત્તા હોય ને ધર્મ, આત્મજ્ઞાન, વૈરાગ્યાદિનાં લક્ષણ જાણતો હોય તો પણ તે 'અધોગતિ' પામે છે; અર્થાત્ અક્ષરધામથકી ઓરાં જે બીજાં ધામ તેને, અથવા દેવલોકને પામે છે, પણ અક્ષરધામને નથી પામતો.