શ્લોક : ૧૦૬

त्रिगुणात्मा तम: कृष्णशक्तिर्देहतदीययो: ।

जीवस्य चाहंममताहेतुर्मायावगम्यताम् ॥ ૧૦૬ ॥

અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે ને અંધકારરૂપ છે, ને શ્રીકૃષ્ણભગવાનની શક્તિ છે. અને આ જીવને, દેહ તથા દેહના જે સંબંધી, તેમને વિષે અહંમમત્વની કરાવનારી છે-એમ માયાને જાણવી. ॥ ૧૦૬ ॥

ભાવાર્થ

આ શ્લોકમાં શ્રીજીમહારાજ માયાનું સ્વરૂપ જણાવતા માયાને 'ત્રિગુણાત્મિકા' એટલે કે માયાના સત્વ, રજ ને તમ એ ત્રણ ગુણ છે એમ કહે છે. અને અંધકારરૂપ કહેતાં જીવાત્માને, પરમાત્માના સ્વરૂપસંબંધી અજ્ઞાન અને વિષયને વિષે આસક્તિરૂપ અજ્ઞાન, તેણે કરીને આવરણ કરનારી છે. અને મહાપુરુષ શ્રીકૃષ્ણભગવાનની શક્તિ છે; અર્થાત્ જગતની ઉત્પત્તિ આદિ કાર્ય કરવાને વિષે, કારણપણે અંગીકાર કરેલી છે; ને મહામાયારૂપે, મહાપુરુષરૂપ શ્રીકૃષ્ણભગવાનની સેવામાં રહે છે. અને જીવોને તથા બ્રહ્માંડાભિમાની ઈશ્વરોને અહંમમતાની હેતુ છે. અને અનેકકોટી પ્રધાન તેમ જ પુરુષ તેમનું કારણ છે. વળી નિત્ય, અનાદિ ને અનંત છે તથા કોઈ દિવસ વિકાર પામતી નથી.

અને મહાકાળ છે તે શ્રીહરિની શક્તિરૂપ છે. ને શ્રીહરિને આધીન રહીને સર્વનું નિયમન કરે છે. વળી એ દિવ્યરૂપ છે ને પ્રકૃતિપુરુષનો પ્રેરક છે અને એની સર્વે ક્રિયાઓ પ્રકૃતિપુરુષની માફક લય તથા વિક્ષેપે રહિત છે; નાના પ્રકારના રૂપના આશ્રયરૂપ છે અને સમર્થ છે. અને અક્ષરબ્રહ્મ છે, તે સત્ય, જ્ઞાન, અનંત, પૂર્ણ ને અખંડ છે. તે એક સ્વરૂપે સાકાર છે. તે શુદ્ધ, નિત્ય, અવિકારી ને માયાદિનું પ્રકાશક તેમ જ સર્વાધાર છે. અને બીજે સ્વરૂપે તે શ્રીહરિના ધામરૂપે અમૂર્ત છે. સત્, ચિત્ ને આનંદરૂપ, સર્વત્રપૂર્ણ, નિરાકાર તેમ જ આવરણે રહિત એવું જે બ્રહ્મ તે શ્રીજીમહારાજનું તેજ છે. એટલે કે, શ્રીજીમહારાજના પ્રકાશપુંજને જ અક્ષર તથા અક્ષરધામ કહેવાય છે.

હવે શ્રીહરિ કાળ-માયાથી દેહનું નાશવંતપણું જણાવતા કહે છે કે, આ દેહ તો ગમે તે ક્ષણે, અનિવાર્ય એવા કાળના વેગે કરીને નાશ પામવાનો છે; માટે એક તેમની (શ્રીહરિની) જ આશા અંતરમાં રાખીને જન્મ-મરણને પમાડનારી નાના પ્રકારની વિષયની વાસનાનો ત્યાગ કરવો. ને આત્મા અચળ છે અને જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો તેમ જ અંતઃકરણ તેનો પ્રકાશક ને જ્ઞાતા છે, તથા ચૈતન્યરૂપ ને અવિકારી છે. માટે તેનો નાશ ક્યારેય થતો નથી. એમ સમજીને પોતાના આત્માને અક્ષરબ્રહ્મરૂપ માનવો ને ભગવાનને વિષે દાસપણું રાખવું. ને ધર્મ -જ્ઞાન-વૈરાગ્યે સહિત, શ્રવણાદિ નવ પ્રકારની શ્રીહરિની એકાંતિક ભક્તિ નિત્યે કરવી. અને આવી જે ભક્તિ વડે તેના ફળરૂપ શ્રીહરિ તેમના ધામમાં તેમની, મૂર્તિના અવિચળ સુખને પામશો-એવા આશીર્વાદ આપે છે.