શ્લોક : ૧૩૧
भगवन्मन्दिरं प्राप्तो योऽन्नार्थी कोऽपि मानव: ।
आदरात्स तु सम्भाव्यो दानेनान्नस्य शक्तित: ॥ ૧૩૧ ॥
અને ભગવાનના મંદિરપ્રત્યે આવ્યો જે હરકોઈ અન્નાર્થી મનુષ્ય, તેની પોતાના સાર્મથ્ય પ્રમાણે અન્નના દાને કરીને આદરથકી સંભાવના કરવી. ॥ ૧૩૧ ॥
ભાવાર્થ
ભગવાનના મંદિરમાં આવેલો કોઈ પણ મનુષ્ય, જાણીતો હોય કે અજાણ્યો હોય, પરંતુ તે અન્નાર્થી એટલે ભૂખ્યો હોય તો, શક્તિમુજબ અન્ન-જળ આપીને તેની સંભાવના કરવી. શાસ્ત્રમાં પણ અન્નદાનની ઘણી પ્રશંસા કરેલી છે, કારણ કે અન્ન-એ જ પ્રાણ છે અને તેથી અન્નદાનને પ્રાણદાન સમાન કહેલું છે. વળી તે અન્નદાન તે પાત્રની પરીક્ષા કર્યા વિના સર્વેને આપવું.