શ્લોક : ૧૭૩

सधवाविधवाभिश्च न स्नातव्यं निरम्बरम् ।

स्वरजोदर्शनं स्त्रीभिर्गोपनीयं न सर्वथा ॥ ૧૭૩ ॥

અને સુવાસિની ને વિધવા એવી જે સ્ત્રીઓ, તેમણે વસ્ત્ર પહેર્યા વિના નહાવું નહિ; અને પોતાનું જે રજસ્વલાપણું તે કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું. ॥ ૧૭૩ ॥

ભાવાર્થ

શ્રીહરિની આશ્રિત એવી સધવા તેમ જ વિધવા - એ બંને પ્રકારની સ્ત્રીઓએ, વસ્ત્ર પહેર્યા વિના ક્યારેય સ્નાન કરવું નહિ; કેમ કે નગ્ન થઈને સ્નાન કરવાથી વરુણદેવનો અપરાધ થાય છે. વળી નગ્ન થઈને સ્નાન કરવું તેમ જ નગ્ન થઈને સૂઈ જવું - તે બંને, મનુષ્યો માટે નિંદ્ય કહેલાં છે.

અને તે સધવા તથા વિધવા સ્ત્રીઓએ રજસ્વલાપણું ક્યારેય છાનું રાખવું નહિ. કેમ જે રજસ્વલાપણું જે ઇંદ્રની બ્રહ્મહત્યાનો ચોથો અંશ છે તે છાનું ન રાખવાથી, બ્રહ્મહત્યાદોષનો નાશ થાય છે. વળી રજસ્વલાપણું ગુપ્ત ન રાખવાથી સ્વજનોને, પરપુરુષથકી આવતી ગર્ભધારણની જે શંકા તે પણ દૂર થઈ જાય છે.