શ્લોક : ૧૩૦
मया प्रतिष्ठापितानां मन्दिरेषु महत्सु च ।
लक्ष्मीनारायणादीनां सेवा कार्या यथाविधि ॥ ૧૩૦ ॥
અને મોટાં જે મંદિર તેમને વિષે અમે સ્થાપન કર્યાં, એવાં જે શ્રી લક્ષ્મીનારાયણ આદિક શ્રીકૃષ્ણનાં સ્વરૂપ, તેમની જે સેવા તે યથાવિધિએ કરીને કરવી. ॥ ૧૩૦ ॥
ભાવાર્થ
શ્રીહરિની ગાદીના વારસ એવા આચાર્યોએ શિખરબંધી તથા નાના હરિમંદિરોમાં શ્રીહરિએ લક્ષ્મીનારાયણ આદિ ભગવાનનાં સ્વરૂપોની મૂર્તિઓની યથાવિધિ પ્રતિષ્ઠા કરી હોય કે કરાવી હોય તેમની સેવા યથાવિધિ કરવી. અહીં લક્ષ્મીનારાયણનો મુખ્ય નિર્દેશ કરવાનું કારણ એ છે કે, આ શિક્ષાપત્રી લખવાના સમયે શ્રીહરિ, તે દેવની સમીપે સ્વયં વિરાજતા હતા તેથી; પરંતુ આ નિર્દેશથી બીજા સ્વરૂપોનું ગૌણપણું થાય છે એવી શંકા ન કરવી; કારણ કે 'ભગવાનનાં સર્વે સ્વરૂપોમાં' અર્થાત્ મંદિરોમાં શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુનાં, નરનારાયણ, રાધાકૃષ્ણ, ગોપીનાથ વગેરે સ્વરૂપો પધરાવ્યાં છે તેમાં, તથા પોતાની શ્રી હરિકૃષ્ણનામક ને શ્રી ઘનશ્યામ મહારાજ નામક જે મૂર્તિઓ પધરાવી છે, તેમાં અભેદપણું છે. માટે તે સ્વરૂપોની સેવા, પ્રીતિથી કરવી. તેમ જ શ્રી ધર્મદેવ, ભક્તિમાતા વગેરેની જે મૂર્તિઓ પધરાવી છે તેમની પણ, એ જ પ્રમાણે સેવા કરવાની કહી છે. અને તે સેવા પણ શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે કરવી. વળી સેવા કરનારા સેવકો ઘણા હોય છતાં, ભગવત્સેવા તો સ્વયં જાતે જ કરવી.