શ્લોક : ૧૦૮
स श्रीकृष्ण: परंब्रह्म भगवान् पुरु़षोत्तम: ।
उपास्य ईष्टदेवो न: सर्वाविर्भाकारणम् ॥ ૧૦૮ ॥
અને તે ઈશ્વર તે ક્યા, તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણભગવાન તે ઈશ્વર છે. અને તે શ્રીકૃષ્ણ જે તે આપણા ઇષ્ટદેવ છે, ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. ॥ ૧૦૮ ॥
ભાવાર્થ
અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયના કર્તા મહાપુરુષ છે. તેને જીવ, નર, અક્ષર ને બ્રહ્મ કહ્યા છે એટલે કે મહાપુરુષને બ્રહ્મ કહ્યા છે. અને મહાપુરુષબ્રહ્મથી પર મૂર્તિમાન અક્ષરને પણ શ્રીહરિએ સ.જી.માં બ્રહ્મ કહેલા છે - આ અક્ષરને સાકાર અક્ષરબ્રહ્મ જાણવા. આ સાકાર અક્ષરબ્રહ્મથકી પર, ત્રીજું અક્ષરબ્રહ્મ શ્રીજીમહારાજના તેજના સમૂહરૂપ છે. તે 'બ્રહ્મ' ને વચનામૃતમાં 'શુદ્ધ ચૈતન્યબ્રહ્મ' નામે કહ્યું છે. આ તેજના સમૂહરૂપ બ્રહ્મના પણ શ્રીજીમહારાજ કારણ, આધાર ને શરીરી છે - માટે પરબ્રહ્મ કહેવાય છે. તથા જે સ્વરૂપ, રૂપ, ગુણૈશ્વર્યાદિ વડે બ્રહ્મથકી અધિક હોય તે પણ પરબ્રહ્મ કહેવાય. આવી રીતે ત્રિપુટીબ્રહ્મના કારણ પરબ્રહ્મ એવા શ્રીજીમહારાજ છે. અને સર્વે મુક્ત તથા નિત્યમુક્તના સ્વામી, સુખદાતા ને નિયંતા છે, માટે પોતાને 'પુરુષોત્તમ' કહેલા છે. અને શ્રીહરિની મૂર્તિ સદા આનંદઘનસ્વરૂપ છે ને અનન્ય ભક્તને પોતાની મૂર્તિમાં આકર્ષણ કરે છે; વળી 'શ્રી' કહેતાં મુક્તને આનંદદાયી એવી શોભાએ યુક્ત છે, માટે તેમને 'શ્રીકૃષ્ણ' કહેવાય છે. અને 'ભગ' જે ભગવાનનાં અનંત ઐશ્વર્ય ને દિવ્યગુણ તેણે યુક્ત હોવું, તે 'ભગવાન' પણાનું લક્ષણ છે. વળી શ્રીકૃષ્ણ કહ્યા તે પણ શ્રીહરિએ કહ્યું છે : "રામકૃષ્ણ આદિ સર્વે અવતારનો કારણ - એવો પ્રત્યક્ષ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ હું જ છું, તે મને જ સંપ્રદાયના શાસ્ત્રમાં 'અનાદિ શ્રીકૃષ્ણ' નામે કહેલ છે." અને ભગવાન કહ્યા તે પણ શ્રીહરિએ હરિવાક્યસુધાસિંધુમાં કહ્યું છે : "હું સ્વામિનારાયણ ભગવાન જ અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયનો કર્તા છું; મારા વિના બીજો કોઈ ભગવાન કોઈ કાળમાં છે જ નહિ; હું એક જ સર્વોપરી ભગવાન છું."
વળી શ્રીહરિ સહજાનંદસ્વામી મહાપ્રભુ, નરનારાયણ ભગવાનના પણ કારણ છે. તે શ્રીહરિદિગ્વિજયમાં શ્રીજીમહારાજે નરનારાયણ દેવને કહ્યું છે : 'પૃથ્વી અધર્મના ભારથી પીડાય છે, તેથી હું જ પૃથ્વી ઉપર પ્રકટ થઈશ. પણ મને પ્રકટ થવાનું કોઈને જાણી શકાય તેમ નથી. માટે આ બદરિકાશ્રમમાં દુર્વાસાના 'શાપનું નિમિત્ત કરી' તમારા ઉદ્દેશથી અર્થાત્ નરનારાયણ પ્રકટ થશે - એમ અન્ય ઉપાસકોને જણાવીને, થોડા સમયમાં જ, જે મેં સંકલ્પ કર્યો છે તે હું જ સત્ય કરીશ; અર્થાત્ મારા આશ્રિતને મારું સર્વોપરી જ્ઞાન સમજાવીને આત્યંતિક મોક્ષ કરીશ. એ હેતુ માટે હે નરનારાયણ! તમારે આગળ થઈને કહેવું કે, હું જ પ્રકટ થઈશ. ને હું અક્ષરધામમાંથી પોતે પ્રકટ થવાનો છું તે વાત હાલ ગુપ્ત રાખવી, અર્થાત્ મારા મુક્ત એ વાત ધીરે ધીરે સમજાવશે. આવી રીતે શ્રીહરિજીનું, સર્વેશ્વરપણું જાણવું.