શ્લોક : ૯૯
दशम: पञ्चम: स्कन्धो याज्ञवल्क्यस्य च स्मृति: ।
भक्तिशास्त्रं योगशास्त्रं धर्मशास्त्रं क्तमेण मे ॥ ૯૯ ॥
અને દશમસ્કંધ તથા પંચમસ્કંધ તથા યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ એ જે ત્રણ, તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે; કહેતાં, દશમસ્કંધ તે ભક્તિશાસ્ત્ર છે અને પંચમસ્કંધ તે યોગશાસ્ત્ર છે - અને યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે - એમ જાણવું. ॥ ૯૯ ॥
ભાવાર્થ
શ્રીજીમહારાજે દશમસ્કંધને ભક્તિશાસ્ત્ર કહ્યું; પરંતુ પોતે શ્રીહરિએ જ, સદ્. વર્ણી વાસુદેવાનંદ સ્વામી પાસે 'સત્સંગિભૂષણ' નામક ગ્રંથ તથા આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પાસે 'હરિલીલાકલ્પતરુ' નામક ગ્રંથ કરાવ્યા છે. તેમાં શ્રીજીમહારાજે નવ પ્રકારની ભક્તિ તથા દશમી પ્રેમલક્ષણા ભક્તિ બતાવી. વળી તે જ ભક્તિના વિવિધ ભેદ બતાવીને એકાશી પ્રકારની ભક્તિ કહેલી છે અને બાશીમી માહાત્મ્યજ્ઞાને સહિત એવી પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ પણ, આ બે શાસ્ત્રોમાં નિરૂપણ કરેલું છે; એટલે આ બે શાસ્ત્રો જ ભક્તિશાસ્ત્ર છે. જ્યારે દશમસ્કંધમાં તો ફક્ત વૃંદાવનમાં થોડા સમય માટે, ગોપગોપીઓની વૃત્તિઓ શ્રીકૃષ્ણ ભગવાને પોતાને વિષે આકર્ષણ કરી હતી - એટલું જ ભક્તિનું વિવેચન છે.
વળી પંચમસ્કંધને યોગશાસ્ત્ર કહ્યું; પરંતુ સત્સંગમાં શ્રીહરિને વિષે પ્રીતિવાળા અનેક ભક્તો પોતાના ગૃહકુટુંબ, સંબંધી, ગામગરાસ વગેરેનો ત્યાગ કરી શ્રીહરિને શરણે આવી, મહાદીક્ષા લઈ એકાંતિક, પરમ એકાંતિક ને અનાદિમુક્તની સ્થિતિને પામ્યા છે. આવા ભક્તોને શ્રીહરિના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન શ્રીહરિએ પોતાના મહાસમર્થ સંતો પાસે રચાવેલ સત્સંગિભૂષણ, હરિલીલાકલ્પતરુ, હરિકૃષ્ણલીલામૃત, હરિલીલામૃત, ભક્તચિંતામણી વગેરે સદગ્રંથો દ્વારા ઉપલબ્ધ થયું છે. અને સર્વોત્તમ યોગ જે શ્રીહરિની મૂર્તિમાં જોડાવું તે પણ આ સદગ્રંથો વડે યથાર્થ શીખવા મળે છે. માટે આ સદગ્રંથો જ ખરા યોગશાસ્ત્ર છે.
અને વળી યાજ્ઞવલ્ક્યઋષિની સ્મૃતિને ધર્મશાસ્ત્ર કહ્યું, પરંતુ શ્રીજીમહારાજે પોતે જ કરાવેલ 'સત્સંગિજીવન' નામના ગ્રંથમાં વર્ણાશ્રમના ધર્મ, વ્યવહાર તથા પ્રાયશ્ચિત્તવિધિ વગેરે સર્વેનું યથાર્થ વિવેચન છે, માટે તે જ ખરું ધર્મશાસ્ત્ર છે.