શ્લોક : ૧૫૨
प्रतिज्ञातं धनं देयं यत्स्यात्तत्कर्मकारिणे ।
न गोप्यमृणशुद्धयादि व्यवहार्यं न दुर्जनै: ॥ ૧૫૨ ॥
અને પોતાના કામકાજ કરવા તેડ્યા જે મજૂર, તેમને જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું; પણ તેમાંથી ઓછું ન આપવું. અને પોતા પાસે કોઈ કરજ માગતો હોય અને તે કરજ દઈ ચૂક્યા હોઈએ તે વાતને છાની ન રાખવી. તથા પોતાનો વંશ તથા કન્યાદાન તે પણ છાનું ન રાખવું. અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો. ॥ ૧૫૨ ॥
ભાવાર્થ
આટલા મૂલ્યમાં આટલું કામ કરીશ - એ પ્રમાણે નક્કી કરીને કામ કરનારાઓને 'કર્મકારી' કહેવાય છે; તેવા કર્મકારીને કામ સોંપવામાં પ્રથમથી તે કામના બદલામાં જેટલું ધન અથવા ધાન્ય આપવાનું કહેલું હોય, તેટલું ધન અથવા ધાન્ય આપવું પણ તેથી ઓછું ન આપવું, કારણ કે, ઓછું આપવાથી તેનું અંતઃકરણ ક્લેશવાળું થતાં, તેના સંતાપરૂપ અગ્નિથી પોતાના સર્વસ્વનો નાશ થઈ જાય છે.
વળી શ્રીહરિના આશ્રિત ગૃહસ્થોએ કોઈ ધનવાનની પાસેથી લીધેલા ધનની 'શુદ્ધિ' એટલે કે દેવું પાછું આપી દીધું હોય તે બાબતને - ખાતું ભરપાયા કર્યા વગેરેની વાતને ગુપ્ત ન રાખવી. તેમ જ પોતાનો વંશ તથા કન્યાદાન પણ છુપાવવાં નહિ. અને પ્રાયશ્ચિત્ત કરી નાખ્યું હોય તે, વેચાતું આપ્યું હોય તે, ખરીદ કર્યું હોય તે અને ગુણનો ઉત્કર્ષ - આટલાં વાનાં કોઈએ ક્યારેય છુપાવવાં નહિ; જ્યારે ગુપ્ત પાપ તથા લોકમાં જેની જાણ ન થઈ હોવાથી લોકનિંદાનો વિષય ન પામ્યું હોય - એવું અનિંદિત પાપકર્મ આ બે વાનાં તો સાચા સત્પુરુષ આગળ જ પ્રકાશ કરવાં.
અને તે ગૃહસ્થોએ પાપીઓની સાથે, ભગવાનથી વિમુખ એવા મનુષ્યો સાથે, દાંભિકો સાથે, ખળ પુરુષો સાથે, તેમ જ ક્ષણિક બુદ્ધિવાળાઓ સાથે વ્યવહાર ન કરવો; પરંતુ સત્પુરુષની સાથે જ વ્યવહાર કરવો.