શ્લોક : ૧૮૨

प्राणपद्युपपन्नायां स्त्रीणां स्वेषां च वा क्वचित् ।

तदा स्पृष्ट्वापि तद्रक्षा कार्या सम्भाष्य ताश्च वा ॥ ૧૮૨ ॥

અને જો ક્યારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણ નાશ થાય એવો આપત્કાળ આવી પડે ત્યારે તો, તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ, તે સ્ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી. ॥ ૧૮૨ ॥

ભાવાર્થ

ક્યારેક પાણીની રેલ આવી હોય, ઘરને આગ લાગી હોય, કે શિંગડાવાળાં પશું, કે દાઢોવાળાં સર્પાદિ તેનો ભય પ્રાપ્ત થયો હોય તથા શસ્ત્રપાત, ઝેર, ગૃહપાત, વૃક્ષપાત કે મહારોગ ઇત્યાદિકથી, પોતાનો કે સ્ત્રીનો જીવ જોખમમાં હોય, તેવી પ્રાણાંતિક ભયાપત્તિથકી, પોતાને અને સ્ત્રીને મુકાવાનો પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે, વર્ણીએ સ્ત્રીનો સ્પર્શ કરીને અથવા તેની સાથે વાત કરીને પણ, તે સ્ત્રીના તથા પોતાના પ્રાણની રક્ષા કરવી. તે દોષ માટે નથી; કેમ કે જીવતો મનુષ્ય અવશ્ય કલ્યાણ જોશે. માટે જીવપ્રાણીમાત્ર ઉપર દયા રાખીને યશાશક્તિ તેનું રક્ષણ કરવું; પરંતુ મરતા પ્રાણીની ઉપેક્ષા ન કરવી. અને જો આવો પ્રાણાંતિક ભય ન હોય તેવા સમયમાં તો, સ્ત્રીસંભાષણ તથા સ્પર્શમાં દોષ છે જ.