શ્લોક : ૧૩૯

यावज्जीवं च शुश्रूषा कार्या मातु: पितुर्गुरो: ।

रोगार्तस्य मनुष्यस्य यथाशक्ति च मामकै: ॥ ૧૩૯ ॥

અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા, પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા, તે જીવનપર્યંત પોતાના સાર્મથ્ય પ્રમાણે કરવી. ॥ ૧૩૯ ॥

ભાવાર્થ

સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત ગૃહસ્થોએ પોતાને જન્મ આપનાર માતાની અગર સાવકીમાતાની; જન્મ આપનાર પિતાની અને પોતાને અધ્યાત્મ જ્ઞાન આપનાર ગુરુની સેવા જીવનના અંત સુધી, શક્તિ પ્રમાણે કરવી. બાળકને ગર્ભમાં ધારણ કર્યા પછી માતાપિતા જે તકલીફ સહન કરે છે તેનો બદલો તો, સેંકડો વર્ષે પણ વાળી શકાય તેમ નથી. માટે તેમનું તથા જ્ઞાનપ્રદાતા ગુરુનું સર્વદા પ્રિય કરવું. એ ત્રણેને જે રાજી કરે તેણે તપમાત્રનું આચરણ કર્યું છે એમ જાણવું. એ ત્રણેની સેવા - એ જ મોટું તપ કહેલું છે.

વળી શ્રીહરિના આશ્રિતોએ રોગથી પીડાતા એવા મનુષ્યની પણ યથાશક્તિ સેવા કરવી. 'રોગ' શબ્દમાં હથિયારના ઘાની વેદનાથી પીડાતો હોય તેનો પણ સમાવેશ થાય છે.