શ્લોક : ૧૯૯

दिवास्वापो न कर्तव्यो रोगाद्यापदमन्तरा ।

ग्राम्यवार्ता न कार्या च न श्रव्या बुद्धिपूर्वकम् ॥ ૧૯૯ ॥

અને રોગાદિક આપત્કાળ પડ્યા વિના દિવસે સૂવું નહિ; અને ગ્રામ્યવાર્તા કરવી નહિ ને જાણીને સાંભળવી નહિ. ॥ ૧૯૯ ॥

ભાવાર્થ

બ્રહ્મચારી તથા સાધુઓએ દિવસે સૂવું નહિ; કેમ કે દિવસની નિદ્રા કરનારને સ્વપ્નદોષ થવાનો સંભવ રહે છે. સ્વપ્નમાં મનુષ્યને રજોગુણ તથા તમોગુણ પરાભવ પમાડે છે, તેથી જાણે બીજા દેહને પામ્યો હોય તેમ પોતાના મૂળદેહમાં સ્પૃહારહિત થઈને, (સ્વપ્નમાં) અનુચિત ક્રિયા કરે છે. આમાં બાળક, વૃદ્ધ, રોગી, પ્રવાસી તથા ભગવાનનાં મંદિર થતાં હોય તેમાં શ્રમ કરનારા ત્યાગીસાધુ એટલા અપવાદ છે.

વળી તે ત્યાગીસાધુ તથા બ્રહ્મચારી તેમણે 'બુદ્ધિપૂર્વક' એટલે જાણી જોઈને ભગવાનના સંબંધ વિનાની વ્યાવહારિક વાર્તા, જેવી કે : કોઈની આજીવિકા સંબંધી, તેમ જ ગામ, ખેતર કે વાડી સંબંધી, રાજકાર્યસંબંધી, કોઈના જય - પરાજયની, વસ્ત્ર-અલંકાર ને નગરની શોભાની, ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય - એ ચાર પ્રકારના અન્નના અનેકવિધ રસાસ્વાદની વગેરે વાર્તા કરવી નહિ અને સાંભળવી પણ નહિ. કેમ કે તેવી ગ્રામ્યવાર્તા કરવાથી બંધન થાય છે. વૃત્તિ ડહોળાઈ જવાથી પ્રભુના સ્વરૂપમાં એકાગ્ર વૃત્તિ થતી નથી. તેથી અધોગતિ થાય છે.