શ્લોક : ૧૨૯

यथाधिकारं संस्थाप्या: स्वे स्वे धर्मे निजाश्रिता: ।

मान्या: सन्तश्च कर्तव्य: सच्छास्राभ्यास आदरात्॥ ૧૨૯ ॥

અને પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી, તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિષે રાખવા; અને સાધુને આદરથકી માનવા, તથા સચ્છાસ્ત્રનો અભ્યાસ આદરથકી કરવો. ॥ ૧૨૯ ॥

ભાવાર્થ

શ્રીહરિ કહે છે : વળી તે બે આચાર્યોએ પોતાના શિષ્યો તેમને, તેમના અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મમાં એટલે કે ત્યાગીને ત્યાગીના ને ગૃહસ્થને ગૃહસ્થના ધર્મમાં સારી રીતે સ્થાપવા; જો ગુરુ, પોતાના શિષ્યોને તેમના ધર્મને વિષે સ્થાપન ન કરે અને તેથી શિષ્યો પાપાચરણ કરે તો, શિષ્યોએ કરેલું પાપ ગુરુને લાગે છે. અને તે બન્ને આચાર્યોએ શ્રીહરિના સંબંધવાળા સંતોને આદરથકી માનવા તથા એમનું યથોચિત પૂજન કરવું; કેમ કે સત્પુરુષનું પૂજન - એ સકળ સુખનું મૂળ છે.

વળી તે બન્ને આચાર્યોએ સચ્છાસ્ત્રો કહેતાં પ્રકટ શ્રીહરિના સંબંધવાળા શાસ્ત્રો અર્થાત્ વચનામૃત વગેરેનો અભ્યાસ કરવો. અને તે અભ્યાસ ચાર પ્રકારે, એટલે કે : એક તો તેનું 'અધ્યયન'. બીજું 'ચિંતન'. ત્રીજું 'ઘોષણ' એટલે ઉચ્ચસ્વરે ઉદ્ઘોષપૂર્વક બોલવું અને ચોથું 'પાવન' અર્થાત્ સંયમપૂર્વકની એકાગ્રતાથી કરવો. આવી રીતનો જે અભ્યાસ તે બ્રાહ્મમુહૂર્તમાં કરવાથી બુદ્ધિમાં પ્રકાશ થાય છે. અભ્યાસ વિના વિદ્યાની સ્ફૂર્તિ થતી નથી. માટે 'આદરથી' એટલે, અભ્યાસ કરવામાં આળસ તથા અસાવધાનતાનો ત્યાગ કરવાપૂર્વક સચ્છાસ્ત્રોનો અભ્યાસ કરવો. વળી બ્રાહ્મણોને તો શાસ્ત્ર- એ જ નેત્ર છે. માટે શ્રીહરિના પદે આરૂઢ બંને આચાર્યોએ, સચ્છાસ્ત્રનો અભ્યાસ આદરપૂર્વક કરવો.