શ્લોક : ૩૦
अगालितं न पातव्यं पानीयं च पयस्तथा ।
स्नानादि नैव कर्तव्यं सूक्ष्मजन्तुमयाम्भसा ॥ ૩૦ ॥
અને ગાળ્યા વિનાનું જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિષે ઝીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્નાનાદિક ક્રિયા ન કરવી. ॥ ૩૦ ॥
ભાવાર્થ
વસ્ત્રથી ગાળ્યા વગરનું પાણી પીવું નહિ કારણ કે નહિ ગાળેલા જળપાનમાં માંસભક્ષણ દોષ થવાનો સંભવ છે. માછલાં પકડનાર માછીમાર છ મહિના સુધી માછલાં મારે અને તેથી જેટલું પાપ લાગે તેટલું પાપ, એક દિવસ ગાળ્યા વિનાનું પાણી પીએ તેને લાગે છે.
અને દૂધમાત્ર કહેતાં દૂધ, ઘી, તેલ વગેરે પ્રવાહી રસમાત્રને યથાયોગ્ય અગ્નિવડે ઉના કરી, ગાળીને શુદ્ધ કરીને જ વાપરવા.
તથા એક ખરીવાળી ઘોડી આદિનું દૂધ, ઊંટડીનું દૂધ ને ઘેટીનું દૂધ તે ક્યારેય ન પીવું; તથા દસ દિવસ વિઆયે ન થયા હોય તેવી ગાય, ભેંસ તથા બકરીનું દૂધ ન પીવું; તેમ જ રાત્રિએ દહીં ન ખાવું.
વળી જે જળમાં ઝીણા જંતુઓ ઘણા હોય તેવા પાણીથી સ્નાન આદિ ક્રિયા ન કરવી, એટલે કે સ્નાનના અંગભૂત તર્પણ વગેરે કર્મ; તેમ જ હાથ-પગ ધોવા, વસ્ત્ર ધોવાં, વાસણો માંજવાં-ધોવાં વગેરે પણ ન કરવું; નહિતર તેમાં સૂક્ષ્મ જંતુનો નાશ થવાથી અહિંસા ધર્મમાં દૂષણરૂપ આપત્તિ આવે છે; માટે એવું કર્મ બુદ્ધિપૂર્વક ક્યારેય ન કરવું.