શ્લોક : ૧૧૯

दैव्यामापदि कष्टायां मानुष्यां वा गदादिषु ।

यथा स्वपररक्षा स्यात्तथावृत्यं न चान्यथा ॥ ૧૧૯ ॥

અને કષ્ટની દેનારી એવી કોઈ દેવસંબંધી આપદા આવી પડે, તથા મનુષ્યસંબંધી આપદા આવી પડે, તથા રોગાદિક આપદા આવી પડે, તેને વિષે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું; પણ બીજી રીતે ન વર્તવું. ॥ ૧૧૯ ॥

ભાવાર્થ

જેમાં કષ્ટ રહેલું હોય એવી દુઃખરૂપ, 'દેવસંબંધી' અર્થાત્ અનાવૃષ્ટિ કે ગામને આગ લાગે - વગેરે જે વિપત્તિ આવે ત્યારે. તથા 'મનુષ્યસંબંધી' એટલે રાજાના મનુષ્ય તરફથી, અગર પોતાના શત્રુ તરફથી ધનનું હરી જવું - વગેરે લક્ષણોવાળી આપત્તિ આવે ત્યારે, તેમ જ જ્યારે રોગ થયો હોય અથવા હથિયારથી ઈજા થઈ હોય ઇત્યાદિક 'દેવસંબંધી' દુઃખ આવે - એ ત્રણ પ્રકારની આપત્તિઓ આવી હોય, ત્યારે જેવી રીતે પોતાની તથા બીજાની રક્ષા થાય તે પ્રમાણે વર્તવું, પણ બીજી રીતે ન વર્તવું; કારણ કે ધર્મશાસ્ત્રમાં આપદ્ધર્મ જુદા કહેલા છે.