શ્લોક : ૧૫૭

मदाश्रितैर्नृपैर्धर्मशास्त्रमाश्रित्य चाखिला: ।

प्रजा:स्वा: पुत्रवत्पाल्या धर्म: स्थाप्यो धरातले ॥ ૧૫૭ ॥

અને અમારે આશ્રિત એવા જે સત્સંગી રાજા, તેમણે ધર્મશાસ્ત્રને આશરીને પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન કરવું. અને પૃથ્વીને વિષે ધર્મનું સ્થાપન કરવું. ॥ ૧૫૭ ॥

ભાવાર્થ

'રાજા' એટલે, જેમને પટ્ટાભિષેક વગેરે થયાં હોય એવા શ્રીહરિના આશ્રિત જે ક્ષત્રિય વગેરે. તેમણે ધર્મશાસ્ત્ર જે સત્સંગિજીવન તેમાં કહેલી રાજનીતિને અનુસરીને, પોતાની પ્રજાનું પુત્રની પેઠે પાલન કરવું. પ્રજાને રંજન કરવું એ જ, રાજાનો પરમ ધર્મ છે; માટે રાજાએ અવશ્ય શીલ-સદ્વૃત્તવડે પ્રજાઓનું રંજન કરી, ધર્મથી પ્રજાનું પાલન કરવું. પોતાના સમગ્ર દેશમાં, સૌને પોતપોતાના અધિકાર મુજબ વર્ણાશ્રમધર્મમાં રાખવા; અને અધર્મમાં ચાલનારા લોકોને સારી રીતે શિક્ષા કરીને ધર્મમર્યાદામાં વર્તાવવા. અને આચાર, વ્યવહાર ને કુલસ્થિતિ, તે શાસ્ત્ર વિરુદ્ધ ન હોય એવી રીતે દેશકાળાનુસારે સ્થાપવાં.

વળી જે રાજા, પ્રજાને ધર્મનું શિક્ષણ આપ્યા સિવાય તેની પાસેથી કર લે છે, તે રાજાને પ્રજાનાં કરેલાં પાપ વળગે છે અને તે રાજાના ઐશ્વર્યનો નાશ થાય છે. જો રાજા ધર્મવાળો હોય તો તેની પ્રજા ધર્મવાળી થાય છે અને પાપાચરણ યુક્ત રાજા હોય તો, તેની પ્રજા પાપિષ્ઠ થાય છે. અને રાજા સમપણે વર્તે તો, તેની પ્રજા પણ સમપણે વર્તે છે. પ્રજા તો રાજાને જ અનુસરે છે; જેવો રાજા હોય તેવી પ્રજા થાય છે.