શ્લોક : ૨૦૧

गालिदानं ताडनं च कृतं कुमतिभिर्जनै: ।

क्षन्तव्यमेव सर्वेषां चिन्तनीयं हितं च तै: ॥ ૨૦૧ ॥

અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે, કોઈક કુમતિવાળા દુષ્ટજન હોય ને તે, પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું; પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહિ; અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું; પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. ॥ ૨૦૧ ॥

ભાવાર્થ

ભગવાનના એકાંતિક ભક્તોના સ્વરૂપને નહિ જાણનારા, કુમતિવાળા મનુષ્યો ગાળ દે, અથવા તાડન કરે તો તે શ્રીહરિના આશ્રિત નૈષ્ઠિક બ્રહ્મચારીઓએ તેમ જ સાધુઓએ સહન કરવું, પરંતુ તેમના ઉપર ક્રોધ કરવો નહિ. અને શત્રુ-મિત્ર સર્વેનું હિત કરવું - તેમના આત્માના કલ્યાણનો જ વિચાર કરવો; પણ કોઈનું યે અશુભ ઇચ્છવું નહિ. અને ક્યારેય અસત્ય વચન ન બોલવું; સત્ય વચન પણ જો પરદુઃખકર થતું હોય તો, તેવું સત્ય વચન પણ ન બોલવું. તેમ જ મન, વચન અને કાયાથી કોઈનો પણ દ્રોહ ન કરવો. ને કેવળ નૈષ્ઠિક બ્રહ્મચર્યાદિ સ્વધર્મનું પાલન કરવું. તેમાં માન-ટેક રાખવાં; પરંતુ તે સિવાય બીજે તો માનનો ત્યાગ કરવો. પારકાએ અપમાન પમાડ્યા છતાં જે ખેદ કરતો નથી તે જ આ લોકમાં સુખેથી સર્વ ક્રિયામાં પ્રવર્તે છે; જ્યારે અપમાન કરનાર વિનાશ પામે છે. વળી 'અસન્માનથી' એટલે અપમાનનું સહન કરવાથી તપની વૃદ્ધિ થાય છે અને 'સન્માનથી' એટલે સત્કારપૂર્વકના બહુમાનથી, તે સન્માન સ્વીકારનારાના તપનો નાશ થાય છે.

ક્રોધે કરીને, પોતાના સંબંધીજનો, ગુરુજનો ને સાધુજનોનો પણ નાશ કરાય છે; તેમ જ ન કરવા યોગ્ય ક્રિયા પણ ક્રોધથકી થાય છે અને મર્મભેદક દુષ્ટવચનો, ક્રોધથકી જ પરસ્પર બોલાય છે. વળી જેઓ પરમાત્માને પણ પ્રિયતમ છે અને સમાગમ માત્રથી પણ સર્વના કલ્યાણને કરનારા છે એવા શ્રેષ્ઠ સત્પુરુષોની પણ, ક્રોધથકી કઠોર વાણીથી તે અવજ્ઞા કરે છે. ક્રોધ મહાન શત્રુ છે; કેમ કે ક્રોધરૂપ શત્રુ કોઈના પણ લક્ષમાં ન આવે, એવી રીતે એકદમ શરીરની અંદર ઉત્પન્ન થઈને, એક જ ક્ષણમાં અનેક અનર્થો ઉપજાવે છે અને અંતે જીવાત્માની અધોગતિ કરે છે. માટે તેને જે જીતે, તે જ તેજસ્વી કહેવાય છે. ક્રોધ ન કરવાથી આ લોકમાં પોતાનું ને પારકાનું રક્ષણ થાય છે. દુર્જનોનાં દુર્વચને કરીને તથા તેમણે કરેલા અગણિત ઉપદ્રવ તેણે કરીને, પોતાને તેના પ્રતિકારનું અપરિમિત સાર્મથ્ય હોવા છતાં પણ, જે સાધુપુરુષોનું મન 'ક્ષોભ' પામતું નથી. એટલે ક્રોધને વશ થતું નથી - એવા સર્વસુહૃદ સાધુઓ તો સુદુર્લભ છે; અર્થાત્ એવા તો કોઈક વિરલા જ હોય છે.

અને જે મોટા સાધુ છે તેમણે ભગવાનની આજ્ઞાએ કરીને અનેક જીવોને ધર્મમર્યાદામાં રખાવવા, ને ભગવાનને માર્ગે ચડાવવા-એવો શુભ સંકલ્પ મનમાં ઇચ્છયો હોય ને તેમાં પ્રર્વત્યા હોય, અને કોઈક જીવ ધર્મમર્યાદાનો ભંગ કરે, ત્યારે તે માટે પુરુષને, તે જીવની ઉપર ક્રોધ ઉપજી આવે; કેમ કે પોતાના શુભ સંકલ્પનો તેણે ભંગ કર્યો; માટે, ધર્મમર્યાદામાં રાખવાની શિક્ષાને અર્થે તેની ઉપર ક્રોધ કરીને તેને શિખામણ ન દે તો, મર્યાદાનો ભંગ થતો જાય ને તે જીવનું સારું ન થાય.