શ્લોક : ૪૯

प्रत्यहं तु प्रबोद्धव्यं पूर्वमेवोदयाद्रवे: ।

विधाय कृष्णस्मरणं कार्य: शौचविधिस्तत: ॥ ૪૯ ॥

અને અમારા સત્સંગી તેમણે નિત્યે સૂર્ય ઊગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રીકૃષ્ણભગવાનનું સ્મરણ કરીને પછી શૌચવિધિ કરવા જવું. ॥ ૪૯ ॥

ભાવાર્થ

રાત્રિના અંતિમ પ્રહરમાં - બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને નિદ્રાનો ત્યાગ કરી. શ્રીહરિના ગૃહસ્થ તથા ત્યાગી આશ્રિતોએ વિશેષપણે શ્રીહરિ તથા તેમના ભક્તોનાં નામોચ્ચારણ કરવાં. અને એકાગ્ર મને-અવ્યગ્ર ચિત્તે, એક ઘડી કે બે ઘડી પર્યંત શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરવું.

આવી રીતે પ્રાતઃકાળમાં ધ્યાનાદિક કર્યા પછી, બહિર્ભૂમિ જવા માટે જળપાત્ર લઈ ગ્રામથકી બહાર જવું. ત્યાં નિર્જન પ્રદેશમાં મળમૂત્રોત્સર્ગ કર્યા બાદ શૌચવિધિ કરવી. તે શૌચ, શુદ્ધ જળ તથા મૃત્તિકા તેણે કરીને આળસ રહિત થઈને એવું કરવું જેથી લેપ તો ન જ રહે, પણ ગંધ પણ ન રહે. હવે આ શૌચ માટે રસ્તાની-માર્ગની ધૂળ, તથા ખારવાળી જમીનની વિષ્ટામૂત્રાદિના અપવિત્ર સંસર્ગવાળી, રાફડાની તથા શૌચ કર્યા પછી વધેલી મૃત્તિકા અને સૂક્ષ્મ જંતુવાળી મૃત્તિકા ગ્રહણ કરવી નહિ.

હવેના યુગમાં શૌચાલયની સુવિધાવાળી જગ્યાએ આ લાગુ પડી શકે નહિ. કારણ કે શ્રીહરિએ પોતે જ દેશ, કાળ પ્રમાણે આચાર કરવાનું શિક્ષાપત્રીમાં જણાવેલ છે.

હવે આ શૌચ બે પ્રકારનું છે : એક બાહ્યને બીજું અભ્યંતર. તેમાં આ મૃત્તિકા - જળવડે થતું બાહ્યશૌચ કહ્યું; બીજું તો ભાવશુદ્ધિરૂપ 'માનસ' એટલે મનથી પવિત્રપણું, અર્થાત્, રાગદ્વેષ, માન, ઈર્ષા, કામ, ક્રોધ, અહંકાર, છળકપટ ઇત્યાદિક દોષથી રહિતપણારૂપ આભ્યંતર શૌચ કહ્યું છે. કેવળ બાહ્યશૌચ કરવાથી સંપૂર્ણ શુદ્ધ થવાતું નથી, પરંતુ બાહ્ય અને આભ્યંતર - એ બંને શૌચને જે કરે તે જ સંપૂર્ણ શુદ્ધ થાય છે. અને જે કેવળ બાહ્યશૌચ કરે છે, પરંતુ મન દોષરહિત કરતો નથી તેને કશું ફળ મળતું નથી. માટે શ્રીહરિના આશ્રિતોએ બાહ્ય અને આભ્યંતર-બન્ને શૌચ દૃઢ કરીને પાળવાં.