શ્લોક : ૧૧

कस्यापि प्राणिनो हिंसा नैव कार्यात्र मामकै: ।

सूक्ष्मयूकामत्कुणादेरपि बुद्धया कदाचन ॥ ૧૧ ॥

હવે તે ર્વત્યાની રીત કહીએ છીએ જે, અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવપ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવાં જૂ, માંકડ, ચાંચડ, આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. ॥ ૧૧ ॥

ભાવાર્થ

સત્ત્વ, રજ ને તમ એ ત્રણ પ્રકારના સ્વભાવ-પ્રકૃતિવાળા જીવપ્રાણીમાત્રની મન, વાણી ને દેહે કરીને હિંસા - દ્રોહ તે શ્રીહરિના આશ્રિતોએ ન કરવા. કેમ જે અહિંસા એ જ પરમ ધર્મ છે. વળી જીવ પ્રાણીમાત્રના અંતર્યામી એવા શ્રીજીમહારાજ, સર્વ પ્રાણીઓમાં સદા રહેલા છે; માટે શ્રીહરિની બીક રાખીને કોઈ પણ પ્રાણીનો દ્રોહ, સંકલ્પ માત્રથી પણ ન કરવો.

પોતાનો દ્રોહ કરનારનો દ્રોહ કરવામાં દોષ નથી તેમ જ અગ્નિ દેનારો, ઝેર દેનારો, હાથમાં શસ્ત્ર લઈને મારવા આવેલો, ધનને હરનારો તથા ક્ષેત્ર (ખેતર) અને સ્ત્રી તેને હરનારો - આવા જે આતતાયી તેમનો વધ કરવામાં દોષ નથી - આતતાયીને હણવારૂપ આવાં વાક્યો તે અર્થશાસ્ત્રનાં જાણવા અને તે અર્થશાસ્ત્રનાં વચનથકી ધર્મશાસ્ત્રનાં વચન અતિ બળવાન છે. માટે પોતાનો દ્રોહ કરનાર તથા દ્રોહ નહિ કરનાર એવાં મનુષ્ય, પશુ આદિ સમગ્ર પ્રાણીમાત્ર, તેમનો ધર્મવાળા પુરુષે વધ તો ન જ કરવો, પણ તેમને ક્લેશ પણ ન ઉપજાવવો.

વળી દૂર્જનો ઉપદ્રવ કરે તે સહન કરવું, પણ ક્યારેય ક્રોધ ન કરવો. અને પોતાને તેનો પ્રતિકાર કરવાનું સાર્મથ્ય હોય તો પણ સર્વપ્રકારે તેનું સહન કરવું, તે મોક્ષોપયોગી સૂક્ષ્મતમ અહિંસા ધર્મ છે. અતિ શ્રમે કરીને કરેલું એવું પોતાનું તપ, દાન, વ્રત અને નિયમ તે સર્વ ક્રોધરૂપી અગ્નિ તેણે કરીને બળી જાય છે, માટે ક્રોધને જીતવો. ક્રોધ જીતવાનો મુખ્ય ઉપાય ક્ષમા છે. વળી ક્રોધને ઉત્પન્ન કરનારો કામપણ હિંસાનો હેતુ છે. માટે 'કામ-ક્રોધને જીતવાપૂર્વક અતિ સૂક્ષ્મ એવો અહિંસા ધર્મ તેણે કરીને એકાંતિકપણું પ્રાપ્ત થાય છે.'

અને સૂક્ષ્મ દેહવાળા જૂ, માંકડ, લીખ, મચ્છર આદિક-તેમણે આપણા દેહને દંશનાદિ વડે દ્રોહ કર્યે સતે પણ તેમની હિંસા ન કરવી. કેમ જે સૂક્ષ્મ જંતુના દ્રોહનું ફળ પણ અંધકૂપ નામે નરકની પ્રાપ્તિ છે. અને જાણે અજાણે જો નાની-મોટી હિંસા થઈ જાય તો યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરવું અને તે પ્રાયશ્ચિત્ત ભગવાનની ભક્તિ અને જ્ઞાનપૂર્વક કરવું તેણે કરીને જ પાપનો ક્ષય થાય છે, પણ તે વિના કેવળ ભયથી કરેલા પ્રાયશ્ચિત્તથી પાપનો ક્ષય થતો નથી.

હવે જો કોઈક દુષ્ટજન ભગવાનના ભક્તને દુઃખ દેતો હોય ત્યારે તો ભક્તનું રક્ષણ કરવાને અર્થે હણવો અથવા ઘાયલ કરવો. ને આમ કરતાં તે દુષ્ટ પુરુષે હણ્યો સતો પોતે મૃત્યુને પામે વા મૃત્યુપ્રાય ઘાયલ થાય, તો તે ભક્તનો પક્ષ લેવાથી પોતાના મોક્ષના વિરોધી જે બ્રહ્મહત્યાદિક પાપકર્મ તેના વિનાશપૂર્વક નિશ્ચે પરમ મોક્ષને પામે છે.