શ્લોક : ૯૬

स्वहितेच्छुभिरेतानि मच्छिश्यै: सकलैरपि ।

श्रोतव्यान्यथ पाठ्‌यानि कथनीयानि च द्विजै: ॥ ૯૬ ॥

અને પોતાના હિતને ઇચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે, એ આઠ સચ્છાસ્ત્ર જે તે સાંભળવાં અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે, એ સચ્છાસ્ત્ર જે તે ભણવાં તથા ભણાવવાં, તથા એમની કથા કરવી. ॥ ૯૬ ॥

ભાવાર્થ

શ્રીજીમહારાજે સ્વરચેલ તથા તેમના મહાસમર્થ મુક્તો પાસે કરાવેલ ગ્રંથો તેમને શ્રીહરિએ પૂર્વે કહેલા પરોક્ષના આઠ સચ્છાસ્ત્રથી વિશેષ માનવા; કેમ કે શ્રીજીમહારાજના સંતોએ કરેલા ગ્રંથોમાં શ્રીજીમહારાજને પ્રકટ થવાના હેતુ, તથા તેમના જન્મથી અંતર્ધાનપર્યંતના ચરિત્રનું વર્ણન, તેમનું પ્રકટપણું, દિવ્યપણું, સર્વોપરીપણું આદિ માહાત્મ્યજ્ઞાનનું વિશેષ વર્ણન હોઈ, મુમુક્ષુને આત્યંતિક મોક્ષને અર્થે તે ગ્રંથો વિશેષ ઉપયોગી થાય છે. વળી શ્રીહરિએ પોતાના આશ્રિતોને જે જે આજ્ઞા પાળવાની કહી છે તે તે, શ્રીજીમહારાજે કરાવેલાં શાસ્ત્રમાંથી જ સમજાય છે, પણ પૂર્વે કહેલા પરોક્ષના આઠ સચ્છાસ્ત્રોમાંથી સમજાતી નથી. શ્રીહરિજીએ પોતે જ પોતાનું સ્વરૂપ વગેરે રહસ્ય, વચનામૃતમાં સમજાવ્યું છે. માટે શ્રીજીમહારાજનાં મુખનાં વચનરૂપ જે વચનામૃત, તેને તો સર્વ શાસ્ત્રથકી અતિ અધિક માની તેનું સેવન કરવું.

વળી શ્રીજીમહારાજના ભક્તે પતિવ્રતાનું તથા દાસપણાનું અંગ રાખવાનું વચનામૃતાદિ શાસ્ત્રમાં કહ્યું છે; જેમ પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ વિના અન્ય પુરુષનું મુખ વગેરે જોવું ગમે નહિ, તેમ શ્રીજીમહારાજના પતિવ્રતાના તથા દાસપણાના અંગવાળા ભક્તને તો શ્રીજીમહારાજના સંબંધવાળા શાસ્ત્રો જ સાંભળવા - વાંચવા, ભણવા-ભણાવવા ને તેમની કથાઓ કરાવવી ગમે. અને તેવા ભક્તને જ સ્વરૂપનિષ્ઠાવાળા એકાંતિક - પરમએકાંતિક પણ કહેવાય; એવી સ્વરૂપનિષ્ઠા વિનાના હોય તે ચાલોચાલ પ્રાકૃત ભક્ત કહેવાય.