શ્લોક : ૯૧
संस्काराश्चान्हिकं श्राद्धं यथाकालं यथाधनम् ।
स्वस्वगृह्यानुसारेण कर्तव्यं च द्विजन्मभि: ॥ ૯૧ ॥
અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધાનાદિક સંસ્કાર તથા આહ્નિક તથા શ્રાદ્ધ, એ ત્રણ જે તે પોતાના ગૃહ્યસૂત્રને અનુસારે કરીને, જેવો જેનો અવસર હોય અને જેવી ધનસંપત્તિ હોય તે પ્રમાણે કરવાં. ॥ ૯૧ ॥
ભાવાર્થ
શ્રીહરિના આશ્રિત બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય તેમણે સોળ સંસ્કાર જે ગર્ભાધાન; પુંસવન; સીમંત; જાત કર્માદિ; નામક્રિયા; નિષ્ક્રમણ; એટલે કુમારને ગૃહથકી બહાર કાઢવા નિમિત્તનું કર્મ; અન્નપ્રાશન એટલે બાળકને પ્રથમ અન્ન ખવરાવવા નિમિત્તનું છઠ્ઠે માસે કરવાનું કર્મ; ચૌલકર્મ જે બાળકના કેશ ઉતારવા નિમિત્તનું કર્મ; કર્ણવેધ જે બાળકના પ્રથમ કાન વીંધાવવા નિમિત્તનું કર્મ; વ્રતાદેશ જે ઉપનયન સંસ્કાર; વેદારંભક્રિયાવિધિ જે સ્વાધ્યાયસંસ્કાર; કેશાંત જે વેદવ્રતની સમાપ્તિના અંગપણે કરવાનું કેશવાપન નામનું કર્મ; સ્નાન જે વ્રતસમાવર્તન - સંસ્કાર; ઉદ્વાહ જે વિવાહસંસ્કાર; વિવાહાગ્નિપરિગ્રહ જે અગ્ન્યાધાન નામનું કર્મ અને ત્રેતાગ્નિસંગ્રહ એટલે અગ્નિહોત્ર નામનું કર્મ - તે વૈદિક મંત્રોવડે કરવા. અને એ ત્રણ વર્ણની સ્ત્રીઓનો એક વિવાહસંસ્કાર જ વૈદિક મંત્રવડે કરવો. જ્યારે શુદ્રને તો વિવાહ સુદ્ધાં બધા જ સંસ્કારો વેદમંત્રોચ્ચારણ રહિત જ કરવા.
અને સ્નાન, ધ્યાન, શ્રીહરિની મૂર્તિની પૂજા, જપ, શ્રીહરિના ગુણનું કીર્તન અને સત્સંગ - આ જે આહ્નિક એટલે કે નિત્યકર્મ તે શ્રીજીમહારાજના આશ્રિત સર્વે સત્સંગીઓએ નિત્યપ્રત્યે કરવાં.
અને શ્રાદ્ધકર્મ જે પિતૃતર્પણ તે દેશકાળની અનુકૂળતા હોય અને શ્રાદ્ધયોગ્ય સંપત્તિ હોય તો પ્રતિસંવત્સર, પિત્રિઓની તૃપ્તિ માટે છન્નુ શ્રાદ્ધ કરવાં અને જો શક્તિ ન હોય તો, પ્રતિવાર્ષિક - દર વર્ષે 'મહાલય' તથા 'સાંવત્સરિક' - એ બે શ્રાદ્ધો તો કરવાં જ. તેમાં પણ જો શ્રાદ્ધ, સંપૂર્ણપણે કરવાની શક્તિ ન હોય તો માત્ર પિંડદાન કરવું.
હવે આ જે સંસ્કાર, આહ્નિક તથા શ્રાદ્ધ કર્મ તે 'યથાકાલમ્' એટલે દેવસંબંધી કાર્ય, દિવસના પ્રથમ ભાગમાં, મનુષ્યસંબંધી કાર્ય દિવસના મધ્યભાગમાં અને પિતૃસંબંધી કાર્ય અપરાહ્ણકાળે, એમ સમય-સમય પરત્વે કરવા તથા ધનસંપત્તિ અનુસારે કરવાં એટલે ધન હોય તો ખર્ચવામાં શઠતા ન કરવી.