શ્લોક : ૨

लिखामि सहजानन्दस्वामी सर्वान्निजाश्रितान् ।

नानादेशस्थितान् शिक्षापत्रीं वृत्तालयस्थित: ॥ ૨ ॥

અને વૃત્તાલય ગામને વિષે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે તે અમે, જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિષે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રી લખીએ છીએ. ॥ ૨ ॥

ભાવાર્થ

'વૃત્તાલયે' કહેતાં શ્રીહરિનાં ચરણરજથી પવિત્ર ઉત્તમ તીર્થરૂપ હરિતીર્થ નામનું વડતાલપુર તેને વિષે પત્રી લખવા સમયે રહેલા સહજાનંદ સ્વામી; જ્ઞાનબળથી સુખદુઃખાદિ દ્વંદ્વને સહન કરનારા એવા જે સાધુજનો તેમને પોતાના સ્વરૂપનો આનંદ આપે છે, માટે સહજાનંદ અને જે નિરવધિકાતિશય ઐશ્વર્યે યુક્ત હોય, સર્વના નિયામક હોય, ને સ્વતંત્ર હોય તે 'સ્વામી' કહેવાય. આમ 'સહજાનંદ સ્વામી' એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન જાણવા; કેમ જે, જે શ્રીહરિ અક્ષરધામમાં રહ્યા છે એ જ પોતે સકલ ઐશ્વર્યયુક્ત એવા પોતાના સ્વરૂપે કરીને જીવોના આત્યંતિક મોક્ષ કરવા સારુ છપૈયાપુરમાં પ્રકટ થયા છે.

એવા સહજાનંદસ્વામી તેમના, નાના પ્રકારના દેશમાં રહેલા એવા ભક્ત તેમને વિષે શ્રીહરિએ શિક્ષાપત્રી લખી છે. અહીં 'નાના પ્રકારના દેશ' ઉપરથી એવું પ્રતીત થાય છે કે શ્રીહરિકૃષ્ણ મહાપ્રભુના આશ્રિતોની સંખ્યા અત્યધિક છે અને શ્રીહરિનો પ્રતાપ અણુએ અણુમાં વ્યાપી રહ્યો છે. વળી 'ભક્ત રહ્યા છે' એ પરથી એમ સમજવાનું છે કે પોતાના ભક્તને શ્રીહરિની મૂર્તિને વિષે માહાત્મ્યજ્ઞાને સહિત ભક્તિની દૃઢતા હોવાથી તથા પ્રકટ શ્રીજીની મૂર્તિ સિવાય અન્યને વિષે વૈરાગ્ય હોવાથી ઘરમાં મહેમાનની માફક રહેલા છે. અને તેવા નિર્વાસનિક ભક્તને ગૃહસ્થાશ્રમને વિષે રહેવું એ તો કેવળ ભગવાન તથા ભગવાનના ભક્તની સેવાને અર્થે જ છે. એવા જે પોતાના આશ્રિતો તેમના પ્રત્યે ધર્માદિ ચારેય પુરુષાર્થની સિદ્ધિને અર્થે શ્રી સહજાનંદ સ્વામીએ સ્વહસ્તે પોતાના ઉપદેશામૃતરૂપી પત્રી લખી છે.

અહીં પોતાના આશ્રિતો પ્રત્યે શ્રીહરિએ શિક્ષાપત્રી લખી છે એમ કહ્યું તેથી બીજાઓનો અનાધિકાર છે એમ ન જાણવું; કારણ કે પોતે શ્રીહરિ જ આગળ કહેશે કે આ શિક્ષાપત્રીનો લેખ 'સર્વજીવહિતાવહ' છે; અર્થાત્ સર્વ જીવના હિતને માટે શ્રીજીમહારાજે શિક્ષાપત્રી લખી છે.