શ્લોક : ૮૭
जातायामथ तन्मुक्तौ कृत्वा स्नानं सचेलकम् ।
देयं दानं गृहिजनै: शक्त्याऽन्यैस्त्वर्च्य ईश्वर: ॥ ૮૭ ॥
અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી, વસ્ત્રે સહિત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમણે, પોતાના સાર્મથ્ય પ્રમાણે દાન કરવું. અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી. ॥ ૮૭ ॥
ભાવાર્થ
ચંદ્રનો કે સૂર્યનો ગ્રહણથકી મોક્ષ થતાં, ગ્રહણ-સૂતકનું વસ્ત્રે સહિત સ્નાન ન કરે, તે મનુષ્ય ફરીથી બીજું ગ્રહણ આવે ત્યાં સુધી સૂતકી રહે છે. તે સ્નાનમાં ઉષ્ણજળની અપેક્ષાએ શીતળ જળ શ્રેષ્ઠ છે. સ્નાન બાદ ગાય, પૃથ્વી, સુવર્ણ, તિલાદિકનું શ્રદ્ધાસહિત યથાશક્તિ દાન દેવું. શ્રદ્ધા વિના આપેલું અને ગ્રહણ કરેલું દાન તે નિષ્ફળ થાય છે.
ત્યાગી સાધુએ દાન આપવાનાં પદાર્થનો પોતાથી સંગ્રહ થઈ શકે નહિ, માટે તેમણે તો પોતાના ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનની, મને કરીને કલ્પેલા એવા ઉપચારે કરીને તેમની માનસીપૂજા કરવી, તેમ જ બાહ્ય મૂર્તિપૂજા પણ કરવી, પરંતુ ગૃહસ્થની પેઠે જે દાન કરવું તે ત્યાગીનો ધર્મ નથી.