શ્લોક : ૮૧-૮૨
सर्ववैष्णवराजश्रीवल्लभाचार्यनन्दन: ।
श्रीविठ्ठलेशः कृतवान् यं व्रतोत्सवनिर्णयम् ॥ ૮૧ ॥
અને સર્વ વૈષ્ણવના રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય, તેમના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી, તે જે તે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હવા. ॥ ૮૧ ॥
कार्यास्तमनुसृत्यैव सर्व एव व्रतोत्सवा: ।
सेवारीतिश्च कृष्णस्य ग्राह्या तदुदितैव हि ॥ ૮૨ ॥
અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય, તેને જ અનુસરીને સર્વે વ્રત ને ઉત્સવ કરવા અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રીકૃષ્ણની સેવારીતિ તેનું જ ગ્રહણ કરવું. ॥ ૮૨ ॥
ભાવાર્થ
વ્રતોત્સવનો નિર્ણય તથા સેવારીતિ તે અંગે સામાન્યપણે વૈષ્ણવરાજ શ્રી વલ્લભાચાર્યના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીએ કરેલો નિર્ણય માનવો, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે વિશેષ વ્રતોત્સવવિધિ તથા સેવારીતિ છે તે શ્રીહરિએ સત્સંગિજીવન ગ્રંથમાં પ્ર. ૪, અ.૫૫ થી ૬૧ - એ સાત અધ્યાયમાં કહી છે તે જાણવી.
અને 'સેવારીતિ' એટલે ભગવાનને અમુક સમયે અમુક પ્રકારનાં વસ્ત્રો ધરાવવાં, અમુક અલંકાર ધરાવવા, અમુક ભોગ ધરાવવા વગેરે લક્ષણવાળી સેવારીતિ જાણવી.