શ્લોક : ૨૮
भक्तिं वा ज्ञानमालम्ब्य स्त्रीद्रव्यरसलोलुभा: ।
पापे प्रवर्तमानाः स्यु: कार्यस्तेषां न संङ्गम: ॥ ૨૮ ॥
અને જે મનુષ્ય, ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિષે અતિશય લોલુપથકા પાપને વિષે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો. ॥ ૨૮ ॥
ભાવાર્થ
શ્રીજીમહારાજની ભક્તિનું અવલંબન કરીને, અથવા શ્રીજીમહારાજના માહાત્મ્યજ્ઞાનના બળનું ગ્રહણ કરીને જે પુરુષો સ્ત્રી, દ્રવ્ય તથા રસાસ્વાદને વિષે 'લોલુપ' થકા પાપને વિષે એટલે પરસ્ત્રીના સંગ આદિ પાપકર્મમાં પ્રવર્તેલા હોય તેમનો સમાગમ ન કરવો. તે અસત્પુરુષો એવી રીતે માહાત્મ્યજ્ઞાનનું બળ ગ્રહણ કરે છે કે : ભગવાન તો અધમોદ્ધારણ છે, પતિતપાવન છે અને એકવાર પણ નારાયણ નામોચ્ચારણમાત્રથી સર્વ પાપ નિઃશેષ નાશ થઈ જાય છે, વળી જેટલી પાપોના વિનાશનમાં ભગવન્નામની શક્તિ છે, તેટલાં પાપ કરવા પાતકી મનુષ્ય શક્તિમાન નથી; માટે તે ભગવાનના આશ્રયવાળા આપણને શો ભય છે? આવી રીતે ભગવાનના મહિમાનો ઓથ લઈને પાપકર્મને વિષે પ્રવર્તતા હોય તેમનો સમાગમ ન કરવો. વળી કોઈ એમ કહે જે, મુક્તપુરુષોને સ્વેચ્છાનુસાર વર્તન માટે દોષ નથી, માટે તેમને તો યથેષ્ટાચરણ યોગ્ય છે; તો તે ક્યારેય ન માનવું. કારણ કે તે મોટા પુરુષ તો ધર્મના રક્ષણ માટે પ્રવર્તેલા છે, પરંતુ અધર્મના આચરણ માટે નહિ. દૃઢ આત્મનિષ્ઠા ને ભક્તિને પામેલા એવા મુક્તપુરુષ પણ વનિતાના પ્રસંગથકી ભ્રષ્ટ થાય છે તથા તેવી જ રીતે ભક્ત એવી સ્ત્રીઓ પણ પર પુરુષના પ્રસંગથકી ભ્રષ્ટ થઈ જ જાય છે.