શ્લોક : ૭૦
नोरौ कृत्वा पादमेकं गुरु़देवनृपान्तिके ।
उपवेश्यं सभायां च जानू बद्ध्वा न वाससा ॥ ૭૦ ॥
અને ગુરુ, દેવ ને રાજા એમને સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું, તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું. ॥ ૭૦ ॥
ભાવાર્થ
શ્રીજીમહારાજના આશ્રિતોએ પ્રત્યક્ષ ભગવાન કે તેમની પ્રતિમા, ગુરુ, રાજા અને ભગવાનના ભક્તની સમીપે તથા સભામાં પગને લાંબા કરીને કે ઉદ્ધતાઈ દેખાડનાર કોઈ પણ આસન કરીને બેસવું નહિ. જેમ કે, વીરાસન એટલે એક પગને ઊંધો નાખી બીજા પગને તે ઊંધા નાખેલા પગની ઉપર ચઢાવીને બેસવું તે તથા ખભે ધારણ કરવાના ખેસથી કે ઓઢવાના ઉત્તરીય વસ્ત્રથી, એક અથવા બંને ઢીંચણને પાછળથી - કેડના ભાગથી વસ્ત્ર વડે વીંટીને બેસવું નહિ; કારણ કે આવી બધી રીતે બેસવાથી ભગવાન ને તેમના ભક્ત આદિકનું અપમાન થાય છે ને અસભ્યતા પ્રદર્શિત થાય છે.
વળી તે સત્પુરુષ, કે રાજાદિકની આગળ દેશકાળને અનુસારે પૂર્વાપરનો વિચાર કરીને જ બોલવું; વિચાર્યા વિના જેમ તેમ બોલવાથી આ લોક તથા પરલોકમાં અનર્થની પ્રાપ્તિ થાય છે. તથા તેમની આગળ હંમેશાં સત્ય ને પ્રિય એવું વચન બોલવું. વળી ભગવાન, ગુરુ, રાજા અને ભગવદ્ભક્ત-એ ચારનું જે કાંઈ પણ ગુહ્ય વૃત્તાંત હોય તે કોઈની ય આગળ પ્રકાશ કરવું નહિ.