શ્લોક : ૧૫૫

आढयैस्तु गृहिभि: कार्या अहिंसा वैष्णवा मखा: ।

तीर्थेषु पर्वसु तथा भोज्या विप्राश्च साधव: ॥। ૧૫૫ ॥

અને ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે, હિંસાએ રહિત એવા જે વિષ્ણુસંબંધી યજ્ઞ તે કરવા. તથા તીર્થને વિષે તથા દ્વાદશી આદિક પર્વને વિષે, બ્રાહ્મણ તથા સાધુ તેમને જમાડવા. ॥ ૧૫૫ ॥

ભાવાર્થ

શ્રીહરિના આશ્રિત એવા ધનાઢ્ય ગૃહસ્થ હરિભક્તોએ જેમાં પ્રાણીની હિંસા ન હોય - ન થાય એવા પોતાના ઇષ્ટદેવના સંબંધવાળા વૈષ્ણવયજ્ઞો કરવા. અને 'તિર્થ' એટલે શ્રીહરિ તથા તેમના મહાસમર્થ મુક્તોના સ્પર્શથી પાવન થયેલ સ્થળોએ પૂર્ણિમા, અમાવાસ્યા, સંક્રાંતિ, વ્યતિપાત, શ્રીહરિની 'અંતર્ધાન તિથિ' - જેઠ સુદ દશમ, તથા તેમના પ્રાદુર્ભાવનો ઉત્તર દિવસ-ચૈત્ર સુદ દશમ- વગેરે પર્વના દિવસોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત એવા બ્રાહ્મણો, ત્યાગી સંત-બ્રહ્મચારી તથા પાર્ષદો, તેમ જ શ્રીહરિને વિષે અનન્ય નિષ્ઠાવાળાં એવાં સાંખ્યયોગી બાઈઓ તેમને નાનાપ્રકારનાં ભોજન-પદાર્થોથી સંતોષવા. યજ્ઞ કરવાં પણ પ્રભુના સંતોને જમાડવામાં ભગવાનની વિશેષ પ્રીતિ થવાનો હેતુ છે. તે શ્રીહરિએ જે. ૪ વચનામૃતમાં કહ્યું છે : "તમે જેવા ધર્મનિયમે યુક્ત જે સંત તેની તો વાત જ નોખી છે... તમને કોઈક ભાવે કરીને જમાડે તેને કોટી યજ્ઞનું પુણ્ય થાય ને અંતે મોક્ષને પામે છે."

અને તે ધનાઢ્ય એવા ગૃહસ્થોએ, સાધુ અને વિપ્રોનું ક્યારેય પણ અપમાન કરવું નહિ ને સાધુ આગળ નિરંતર નિષ્કપટપણે વર્તવું. વળી તે ધનાઢ્ય ગૃહસ્થોએ પોતાના ઇષ્ટદેવ જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમનાં મનોહર અને સુદૃઢ એવાં મંદિર કરાવવાં. અને તેમાં સ્થાપન કરેલ શ્રીહરિની મૂર્તિના અખંડિત પૂજાપ્રવાહ માટે, વૃત્તિ બાંધી આપવી. વળી મંદિરની ચોમેર, યાત્રાળુ એવા સંત-હરિભક્તના નિવાસને યોગ્ય, ઊંચા કોટ-કિલ્લાથી સુરક્ષિત એવી મનોહર ધર્મશાળા કરાવવી. તેમ જ મંદિરના સમીપ પ્રદેશમાં, ફળ-પુષ્પપ્રધાન વૃક્ષોવાળો બગીચો કરાવવો. અને મધુર નિર્મળ અખૂટ જળવાળી રમણીય પગથિયાંવાળી વાવ કરાવવી. જેઓ સહજાનંદ સ્વામીનું અતિદૃઢ અત્યુત્તમ રમ્ય મંદિર નિષ્કામભાવથી કરાવે છે તે નિશ્ચે મોક્ષને પામે છે.