શ્લોક : ૯૮

श्रीमद्भागवतस्यैषु स्कन्धौ दशमपञ्चमौ ।

सर्वाधिकतया ज्ञेयौ कृष्णमाहात्म्यबुद्धये ॥ ૯૮ ॥

અને વળી એ આઠ સચ્છાસ્ત્રને વિષે જે શ્રીમદ્ભાગવત પુરાણ, તેના દશમ ને પંચમ નામે જે બે સ્કંધ, તે જે તે શ્રીકૃષ્ણભગવાનના માહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા. ॥ ૯૮ ॥

ભાવાર્થ

શ્રીજીમહારાજે શ્રીકૃષ્ણ ભગવાનનું માહાત્મ્ય જાણવાને અર્થે, શ્રીમદ્ભાગવતના 'દશમ' તથા 'પંચમ' - એ બે સ્કંધ અધિક કહ્યા. તેમ જ શિ. શ્લો. ૧૧૭માં શ્રીમદ્ભાગવતનો દશમ સ્કંધ નિત્યપ્રત્યે આદરથકી સાંભળવો; અથવા વર્ષમાં એકવાર સાંભળવો. અને પંડિત હોય તેમણે નિત્યપ્રત્યે વાંચવો; અથવા વર્ષમાં એકવાર વાંચવો, એમ કહ્યું છે. તે આ બે શ્લોકમાં શ્રીજીમહારાજે પોતાનો સામાન્ય સિદ્ધાંત જણાવ્યો છે. અર્થાત્ પરોક્ષના સંબંધવાળા જીવોના સમાસને અર્થે આમ કહ્યું છે, પણ શ્રીજીમહારાજનો મુખ્ય સિદ્ધાંત તો શિ. શ્લો. ૨૦૮ તથા ૨૦૯માં કહ્યો છે જે : 'મારા આશ્રિતે આ શિક્ષાપત્રીનો નિત્યેપ્રત્યે પાઠ કરવો અને જેને ભણતાં આવડતું ન હોય તેમણે તો, આદરથકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. અને આ શિક્ષાપત્રી વાંચી સંભળાવે એવો કોઈ ન હોય ત્યારે તો નિત્યપ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી. ને આ જે મારી વાણી તે મારું સ્વરૂપ છે - એ રીતે પરમ આદરથકી માનવી.'

આ મુખ્ય સિદ્ધાંત શ્રીજીમહારાજે પોતાનું માહાત્મ્ય જાણવાને માટે પોતાના એકાંતિક ભક્તને અર્થે કહ્યો છે.