શ્લોક : ૧૯

अग्राह्यान्नेन पक्वं यदन्नं तदुदकं च न ।

जगन्नाथपुरोऽन्यत्र ग्राह्यं कृष्णप्रसाद्यपि ॥ ૧૯ ॥

અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ, તે ખપતું ન હોય, તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણભગવાનની પ્રસાદી- ચરણામૃતના માહાત્મ્યે કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિષે ગ્રહણ ન કરવું; અને જગન્નાથપુરીને વિષે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહિ. ॥ ૧૯ ॥

ભાવાર્થ

પોતાના વર્ણ, આશ્રમ અને આચાર તે થકી વિરુદ્ધ હોવાથી, ભોજન કરવા યોગ્ય ન હોય તેવા પુરુષે પકાવેલું અન્ન તથા તેવા પુરુષના પાત્રનું જળ-જે ચરણામૃતાદિ તે ખાવુંપીવું નહિ. આચારથી વિરુદ્ધ એટલે કે જેના હાથનું રાંધેલ અન્ન ખપતું હોય, પણ જો તે પુરુષે અજ્ઞાનતાથી કે જાણીને, ગાળ્યા વિનાના જળાદિકે કરીને પકવ કરેલ હોય; અશોધિત અન્નમાંથી બનાવેલ હોય; અગ્રાહ્ય લસણ આદિકના સંસર્ગવાળું હોય; કે ઉચ્છિષ્ટ પાત્રમાં પકવ કરેલ હોય કે ગાળ્યા વિનાના દૂધમાંથી બનાવેલું હોય. તેવું અપવિત્ર અન્ન, 'ભગવાનની પ્રસાદીનું છે.' એમ જો કોઈ માહાત્મ્ય બતાવે અથવા 'ભગવાનના સંબંધને જે જે પામે તે સર્વે નિર્ગુણ થાય' એવી રીતે પોતાના ઇષ્ટદેવની પ્રસાદીના મહાત્મ્યનું બળ લઈને પણ તે ન ખાવું. કારણ કે વર્ણ તથા આશ્રમની મર્યાદા જે શ્રીજીમહારાજે જ બાંધેલી છે તેના ભંગનો દોષ લાગે. વળી ગાળ્યા વિનાનું જળ તથા દૂધ ન પીવાની શ્રીજીમહારાજની જ શિક્ષાપત્રીમાં આજ્ઞા છે. માટે મોક્ષની ઇચ્છાવાળા ભક્તોએ પ્રત્યક્ષ પ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા માટે વર્ણાશ્રમધર્મની મર્યાદાનું પાલન અવશ્ય કરવું.