શ્લોક : ૧૦૭
हृदये जीववज्जीवे योऽन्तर्यामितया स्थित: ।
ज्ञेय: स्वतन्त्र ईशोऽसौ सर्वकर्मफलप्रद: ॥ ૧૦૭ ॥
અને જે ઈશ્વર છે તે જે તે, જેમ હૃદયને વિષે જીવ રહ્યો છે, તેમ તે જીવને વિષે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે, ને સર્વ જીવને કર્મફળના આપનારા છે- એમ ઈશ્વરને જાણવા. ॥ ૧૦૭ ॥
ભાવાર્થ
'ઈશ્વર છે, તે જીવને વિષે અંતર્યામીપણે રહ્યા છે' - એમ કહ્યું તેમાં જીવ શબ્દથી જીવકોટી તથા ઈશ્વરકોટી કહી છે. અને જેમ જીવકોટીને વિષે ને ઈશ્વરકોટીને વિષે પરબ્રહ્મ, અંતર્યામીપણે રહ્યા છે, તેમ જ બ્રહ્મકોટી ને અક્ષરકોટીને વિષે પણ ભગવાન અંતર્યામીપણે રહ્યા છે અને પરબ્રહ્મ એવા પોતાને જ અહીં ઈશ્વર નામે કહ્યા છે.
અને તે અંતર્યામીપણે કેવી રીતે રહ્યા છે તો, તે અક્ષરકોટી, ઈશ્વરકોટી ને જીવકોટીને વિષે 'તારતમ્યપણે' પ્રકાશરૂપે રહ્યા છે, પણ જીવ કે ઈશ્વરરૂપે થતા નથી. અહીં 'તારતમ્યપણે' એટલે પોતાના પ્રકાશરૂપે અક્ષરમાં રહ્યા છે, ને અક્ષરના પ્રકાશરૂપે પુરુષમાં રહ્યા છે અને પુરુષના પ્રકાશરૂપે જીવકોટીમાં રહ્યા છે - એમ જાણવું.
આમ શ્રીહરિ તેજે કરીને સર્વમાં વ્યાપક છે. અર્થાત્ અક્ષરાદિક સર્વને વિષે અન્વયપણે એટલે કે પોતાના તેજ વડે કારણપણે કરીને રહ્યા છે; ને પોતાના ધામને વિષે વ્યતિરેકપણે રહ્યા છે. તે દિવ્ય મૂર્તિમાન અને અનંત મુક્તે સહિત છે. અને એક એવા પણ આ ભગવાન, તે પોતાના સાર્મથ્યે કરીને અનેકરૂપે પ્રકટ થાય છે. આવી રીતે સાકારપણે ભગવાન વ્યાપે છે, અર્થાત્ ભક્તને દર્શન આપે છે ને એકાંતિક ભક્તના આત્મામાં પણ સાકારપણે રહે છે. આવી રીતે જીવાદિકને વિષે શ્રીજી અંતર્યામીપણે રહ્યા છે ને પોતાના એકાંતિક ભક્તને વિષે સાકાર રહ્યા છે.
વળી માયા, પુરુષ, કાળ, અક્ષર આદિ સર્વે તેમને વશ વર્તે છે અને સર્વે મુક્ત-નિત્યમુક્તના સ્વામી, સુખદાતા ને નિયંતા છે, માટે તેમને સ્વતંત્ર જાણવા. ને બીજા જે શ્રીહરિના અવતાર છે તેમણે શ્રીહરિથકી ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું છે અને તેથી ભગવાન સંજ્ઞાને પામ્યા છે. આમ શ્રીહરિનું ઐશ્વર્ય પ્રાપ્ત કરનારા અવતારો, તે શ્રીહરિને આધીન હોઈ તે સ્વતંત્ર નથી; ફક્ત શ્રીહરિ જ સ્વતંત્ર છે.
આવા શ્રીજીમહારાજ, મહાપુરુષરૂપે થઈને સર્વ જીવોને વિષે પ્રવેશ કરી સામ્યપણું આશર્યા થકા, તે જીવોને જેનાં જેવાં કર્મ તે પ્રમાણે તેને ફળ આપે છે. અને પોતાના અનન્ય ભક્તને તો શ્રીહરિ પોતે જ પ્રસન્ન થઈને પોતાનાં દર્શન, સુખ ને સાર્ધમ્યને પ્રાપ્ત કરાવે છે.