શ્લોક : ૬૮
यादृग्गुणो य: पुरु़षस्तादृशा वचनेन स: ।
देशकालानुसारेण भाषणीयो न चान्यथा ॥ ૬૮ ॥
અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળાનુસારે યથાયોગ્ય બોલાવવો પણ એથી બીજી રીતે ન બોલાવવો. ॥ ૬૮ ॥
ભાવાર્થ
શ્રીહરિ કહે છે : જે પુરુષમાં 'જેવા ગુણ હોય' એટલે કે જાતિ, કુળ, વિદ્યા, તપ, યોગ, ઐશ્વર્ય, પ્રતાપ આદિ જે જે વિશિષ્ટ ગુણો જેમાં હોય તેને તે પ્રમાણે, દેશ અને કાળને અનુસરીને બોલાવવો.
અહીં દેશને અનુસરીને - એટલે કે ગુરુએ પોતાનો ગુણવાન શિષ્ય હોય તેને પણ જાહેરમાં તો માનવાચક શબ્દોથી જ બોલાવવો. અને કાળાનુસાર - એટલે ગુરુએ પોતાના વૃદ્ધ શિષ્યને પણ 'તમે' એવા બહુવચનથી - માનવાચક શબ્દોથી બોલાવવો. આમ સ્વયં પોતાની મેળે જ વિવેક સમજી લેવો.