શ્લોક : ૧૮૭

स्नानं सन्ध्यां च गायत्रीजपं श्रीविष्णुपूजनम् ।

अकृत्वा वैंश्वदेवं च कर्तव्यं नैव भोजनम् ॥ ૧૮૭ ॥

અને જે બ્રાહ્મણ હોય તેણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રી વિષ્ણુની પૂજા અને વૈશ્વદેવ એટલાં વાનાં કર્યા વિના ભોજન કરવું જ નહિ. (એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કહ્યા). ॥ ૧૮૭ ॥

ભાવાર્થ

શ્લોક ૧૮૬ના વિવેચનમાં કહ્યું તેમ કોઈ જાતિના લક્ષણ બીજી જાતિના મનુષ્યમાં જોવા મળે તો તેને તેવાં લક્ષણ ઉપરથી તે - તે જાતિનો ગણવો જોઈએ. શ્રીહરિએ પોતાના આશ્રિતોને ઉચ્ચકોટીનું જીવન જીવવા આજ્ઞા કરેલી છે; માટે તે આજ્ઞા પ્રમાણે વર્તનારા સૌ બ્રાહ્મણ જાતિના જ કહેવાય. તેથી આ શ્લોકમાં શ્રીહરિએ કરેલી આજ્ઞા શ્રીહરિના સર્વ આશ્રિતોએ પાળવી.

આ શ્લોકમાં શ્રીહરિએ પોતાના આશ્રિતોને સ્નાન, સંધ્યા, મંત્રજપ, મૂર્તિપૂજા અને વૈશ્વદેવ એટલું કર્યા પછી જ ભોજન કરવાનું કહ્યું છે. તેમાં સ્નાનનો વિધિ શ્રીહરિએ નિત્યવિધિમાં બતાવ્યો છે. જે: સૂર્ય ઉગ્યા પહેલાં જાગી, પોતાને બ્રહ્મરૂપ માની, પોતાના હૃદયાકાશને વિષે ભગવાનની મૂર્તિનું સ્મરણ કરી, શૌચવિધિ તથા દાતણ કર્યા પછી, પવિત્ર જળથી સ્નાન કરવું. અને સ્નાન કરતી વખતે ભગવાનનું નામ રટણ કરવું. હવે જેમાં પરમાત્માનું ધ્યાન સમ્યક્‌પ્રકારે ધ્યાની ભક્તો કરે છે તે સંધ્યા કહેવાય. મંત્રજપ એટલે પ્રત્યક્ષ શ્રીહરિનો અષ્ટાક્ષર મંત્ર અથવા 'સ્વામિનારાયણ' નામક ષડક્ષર મહામંત્ર - તેનો જપ કરવો. મૂર્તિપૂજા એટલે શ્રીહરિની ઘનશ્યામ મહારાજ, સહજાનંદ સ્વામી આદિ નામક પ્રતિમામાં પ્રકટ શ્રીહરિનો ભાવ રાખીને તે પ્રતિમાનું પૂજન કરવું. અને વૈશ્વદેવ એટલે પ્રતિમાસ્વરૂપ પ્રત્યક્ષ શ્રીહરિને નૈવેદ્ય કરવું તે. આટલું કરીને પછી જ ભોજન કરવું. અને તેમાં પણ અતિ ભોજનનો ત્યાગ કરવો. કેમ જે, મિતાહાર કરનારને આરોગ્ય, આયુષ્ય, બળ તથા સુખ પ્રાપ્ત થાય છે. આ સર્વેની સાથે ભગવાનના ગુણનું કીર્તન તથા સંતસમાગમ પણ નિત્ય કરવા.

વળી, શ્રીહરિએ વચનામૃતમાં કહ્યું છે જે, જે ભગવાનનો ભક્ત હોય તેણે ખાતાં-પીતાં, નાહતાં-ધોતાં, ચાલતાં-બેસતાં સર્વે ક્રિયાને વિષે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું. આમ, આ સર્વે નિત્યકર્મ, શ્રીહરિના સંબંધવાળા હોવાથી તથા શ્રીહરિની આજ્ઞાથી ને તેમની પ્રસન્નતાર્થે કરવાથી ભાગવત્ધર્મ થઈ જાય છે.

શ્રીહરિ નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મ અહીં પૂરા કરતા કહે છેД: મેં કહેલા આ નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મોને જે પાળે છે, તેમના ઉપર ભગવાન એવો હું સહજાનંદ સ્વામી તે, પ્રસન્ન થઈને તેમનું મનવાંછિત પૂર્ણ કરું છું.