શ્લોક : ૧૮૫

अभ्यासो वेदशास्त्राणां कार्यश्च गुरु़सेवनम् ।

वर्ज्य: स्त्रीणामिव स्रैणपुंसां सङ्गश्च तै: सदा ॥ ૧૮૫ ॥

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે, વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો ને ગુરુની સેવા કરવી; ને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રૈણ પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જવો. ॥ ૧૮૫ ॥

ભાવાર્થ

'વેદ' એટલે શ્રીજીમહારાજના મુખનાં 'અમૃતવચનો' જે શિક્ષાપત્રી, વચનામૃત, હરિવાક્યસુધાસિંધુ વગેરે; અને 'શાસ્ત્ર' જે સત્સંગિજીવન, સત્સંગિભૂષણ, હરિકૃષ્ણલીલામૃત, હરિલીલાકલ્પતરુ, ભક્તચિંતામણિ - એ વગેરે ગ્રંથનો અભ્યાસ કરવો, કેમ જે આ શાસ્ત્રો થકી જ સ્વામિનારાયણ ભગવાનના જીવન, ચરિત્રો, આદર્શો, સિદ્ધાંતો, આજ્ઞા, ઉપદેશ, સર્વોપરિતા વગેરેનું જ્ઞાન થાય છે.

અને તે નૈષ્ઠિકવર્ણીઓએ પોતાને ભાગવતધર્મનું જ્ઞાન આપી સત્સંગ કરાવનાર જ્ઞાનગુરુની સેવા કરવી; અર્થાત્ તેમની અનુવૃત્તિમાં રહેવું.

સ્ત્રીઓને વિષે જેમનું ચિત્ત આસક્ત હોય એવા પુરુષોનો પ્રસંગ પણ, શ્રીહરિના આશ્રિત વર્ણીઓએ, સ્ત્રીઓના પ્રસંગની પેઠે જ તજવો; કેમ જે, પુરુષને સ્ત્રીના સંગથી તથા સ્ત્રીના સંગીના સંગથી, જેવાં બંધન ને મોહ થાય છે, તેવાં અન્યના પ્રસંગથી થતાં નથી. જેનું મન, સ્ત્રીઓથી હરાઈ જાય છે તેની વિદ્યા, તપ, ત્યાગ, શાસ્ત્રશ્રવણ, એકાંતવાસ તથા મૌનવ્રત-એ સર્વે નિરર્થક છે. વળી સત્ય, શૌચ, દયા, મૌન, બુદ્ધિ, લક્ષ્મી, લજ્જા, યશ, ક્ષમા, શમ, દમ તથા ઐશ્વર્ય - એટલાં વાનાંનો જેના સંગથી નાશ થાય તેવા અશાંત, મૂઢ, દેહને આત્મા માનનારા, અસાધુ, શોક કરવા યોગ્ય અને સ્ત્રીઓની પાસે રમકડારૂપ થઈ રહેનારા-એટલાઓનો વર્ણીએ સંગ કરવો નહિ.