વાર્તા : ૧૦
મહારાજ તથા મોટા મુક્ત પોતાના બિરદ સામું જોઈને જીવોનાં કલ્યાણ કરે છે. તે જુઓને! મહારાજે સસલાનો આત્યંતિક મોક્ષ કર્યો અને બાપાશ્રીએ માર્ગે જતાં ઉંદરનો મોક્ષ કર્યો. એમાં તો મહારાજ તથા મોટાએ પોતાનું બિરદ સાચવ્યું. તે ઉપર વાત કરી જે એક રાજા ઘોડા ઉપર બેસી ફરવા ગયેલ. માર્ગમાં તેને તરસ બહુ લાગી. પછી પાસેના ખેતરમાં એક ખેડુ સાંઠીઓ ખોદતો હતો. તેને જોઈને એ રાજાએ વિચાર કર્યો કે મને એ પાણી પાય તો તેને મારે ગામ આપવું, એ વખતે ખેડુએ પણ રાજાને આવતો જોઈને એવો સંકલ્પ કર્યો કે જો રાજા પાણી માગે તો મારે ન આપવું. પછી તે ખેડુ પાસે જઈને રાજાએ પાણી માગ્યું. ત્યારે ખેડુએ ના પાડી ને પરાણે પાણી લેશે એમ જાણી પોતે પાણીની બતક ફોડી નાખી, પણ પાણી આપ્યું નહિ, અને કહ્યું જે મેં મારો સંકલ્પ પૂરો કર્યો, હવે કરવું હોય તેમ કરો. આ વાત જાણી રાજાએ પણ પોતાનો સંકલ્પ સત્ય રાખ્યો અને ગામ આપ્યું. પછી એ રાજાની મોટા દિવસે કચેરી ભરાય તેમાં જેને જેને ગામ બક્ષીસ આપેલાં તે તે ગામોના ધણી આવીને બેસે, ત્યારે આને પણ જવું પડે. એ વખતે એક બીજા માંહોમાંહી પૂછે કે તમને કેવી રીતે ગામ ઇનામ મળ્યું? તો કોઈ કહે કે મેં રાજાસાહેબનું આ કામ કર્યું, કોઈ કહે મેં આ કામ કર્યું અને આણે તો રાજાને પાણી પાયું નહોતું તેથી તેને કોઈ પૂછે એટલે તુરત નીચું ઘાલીને શરમાઈ જવું પડે, પણ શી રીતે બોલાય, જે મેં રાજાને પાણી નહોતું પાયું તેનું ગામ ઇનામ મળ્યું છે. તેમ આપણે પોતાના સ્વભાવ ટાળવા ને હેત કરવું તો મહારાજ તથા મોટા પોતાનું બિરદ નહિ મેલે.
વર્તમાનકાળે અનેક જીવોના આત્યંતિક મોક્ષ કરવા મહારાજે મોક્ષનાં દ્વાર ઉઘાડ્યાં તેમાં મોટા મોટા મહાસમર્થ સંતોને પોતાની સાથે લાવ્યા; તે દ્વારે અનેક જીવોનો ઉદ્ધાર કર્યો એ વાત સત્સંગમાં સૌ કોઈ જાણે છે. અત્યારે મોટાનો સંકલ્પ કેવો છે? તો ખંપાળી નાખી છે એટલે કેવળ કૃપા જ વાપરી છે. તે બાપાશ્રીના દરેક કાર્યમાં આપણે જોયું. પોતે અંતર્ધાન થયા તે વખતે પણ સર્વની ચિત્તવૃત્તિઓનું આકર્ષણ કરી એવું સાર્મથ્ય જણાવ્યું કે જાણે કોઈને દેહભાવ જ ન રહ્યો હોય, તેમ સૌની એક જ રીતે જણાણી. આમ સર્વના અંતરનું ફેરવવું તે મનુષ્યથી ન થાય. સર્વેના જીવાત્માને આકર્ષણ કરવા એવો ચમત્કાર તો મહારાજમાં હોય અથવા તેમના સિદ્ધ મુક્તમાં હોય. ॥ ૧૦ ॥