વાર્તા : ૧૫૦

0:000:00

મહારાજની ગરમી કસ્તુરી જેવી છે તે જીવને મૂર્તિમાં એકરસ કરી મૂકે છે અને બીજાની ગરમી મરચાં જેવી છે તેથી એ ગરમીએ જીવ એકરસ ચૈતન્ય ન થાય. માટે એવી ખોટી ગરમી સુખદાયી નથી. મહારાજની ગરમીથી તો તુરત જીવ મટીને મુક્ત થઈ જાય છે. માટે આપણે ખરી ગરમીનો જોગ રાખવો તો તરત સુખિયા થવાય. ત્યાગી ધર્મ પાળે છે પણ મૂર્તિમાં રહીને ધર્મ પાળે તો ધર્મ પાળ્યો કહેવાય, પણ એકલા ધર્મે કરીને ધર્મ પાળ્યો ન કહેવાય. ગૃહસ્થને પણ એકલા ધર્મે કરીને ધર્મ પાળ્યો ન કહેવાય. એ તો મૂર્તિ ભેગી રાખે તો ધર્મ પાળ્યો કહેવાય.

ભગવાનને ઓળખ્યા વિના અને જાણ્યા વિના દિવ્ય ભાવ આવે નહિ અને દિવ્ય ભાવ આવ્યા વિના માયિક ભાવ ટળે નહિ. જ્યાં સુધી દિવ્ય ભાવ ન આવે ત્યાં સુધી વાચ્યાર્થ કહેવાય. એ વાચ્યાર્થપણું ક્યારે ટળે? તો ભગવાનને ભગવાન જાણે ત્યારે ટળે. જ્યારે આપણે વર્તમાન ધાર્યા અને તન, મન, ધન ભગવાનને ચરણે મૂક્યાં ત્યારે અનેક જન્મનાં કર્મ બળે છે, કેમ કે ભગવાન પ્રગટ થયા પછી તો કર્મ બળતાં પણ વાર ન લાગે. એ જ્ઞાન સિદ્ધ થવાનું કારણ તો મોટાના આશીર્વાદ. એ વિના બીજી સેવાયે થાય નહિ અને મહિમા પણ જણાય નહિ. જેને જેવા મળે તેને તેવું જ્ઞાન સિદ્ધ થાય. તે આપણને મહારાજ સર્વોપરી મળ્યા અને તેમને તન, મન, ધન અર્પણ કર્યાં ત્યારે મહારાજ પ્રગટ થયા. જુઓને! દાદાખાચર, પર્વતભાઈ કે મોટા મોટા સંત એમણે બધું યે અર્પણ કર્યું તો કાંઈ બાકી રહ્યું? ત્યારે કોઈ એમ કહે એ સંત બધા જુદા જુદા દેખાય છે તે કેમ સમજવું? તો એ તો દેખાય. એ બધા મહારાજના સંકલ્પ. જેમ સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ આવ્યો ત્યારે બાઈઓને કહે કે મને ઓળખતા નથી? હું સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ છું. એ સંકલ્પને વંતાક લાવ્યાનું કામ હતું તેમ મહારાજના સંકલ્પને તો મહારાજનો મહિમા સમજાવવાનો છે. એ મહિમા જાણે તો કામ સિદ્ધ થાય. મહારાજની સભાની રીત નોખી, માટે આપણે તો મહારાજની સભાના છીએ એમ જાણવું. બીજા લોકમાં તો સભાયે જુદી ને કાર્ય જુદાં છે. અહિ પંચ વર્તમાન પાળે છે તે તો મહારાજની આજ્ઞા છે. તે ન પાળે તો સત્સંગી પણ શાનો કહેવાય? એ તો પાળવાં જ જોઈએ. જેણે તન, મન, ધન ભગવાનને અર્પણ કર્યાં છે એવા મોટા મોટા સંતને તો મહારાજ કહે કે, 'એમને દેવ જેવા કે મનુષ્ય જેવા ન કહેવાય' એ કેવડી બધી ઉપમા દીધી છે! મહારાજના મુક્ત તો સદાય મહારાજ ભેળા રહ્યા હોય તેને બીજી ઉપમા કેમ દેવાય? તેથી જ મહારાજે કહ્યું છે કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે તો મારો ભક્ત જ નથી. ‘आज्ञा भंगी मम द्वेषी’ એમ એ મારો દ્વેષી છે. કેટલાક તો જેમ ફાવે તેમ બોલે છે અને આજ્ઞાનો લોપ કરે છે તે તો ભક્ત જ ક્યાં છે? તે તો મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે, 'અમારી આજ્ઞા પ્રમાણે નહિ વર્તે તે અમારા સંપ્રદાયથી બહાર છે.' ॥ ૧૫૦ ॥