વાર્તા : ૧૪૮

0:000:00

સભામાં મધ્ય પ્રકરણનું 53મું વચનામૃત વંચાતું હતું ત્યારે સ્વામીશ્રીએ વાત કરી કે જીવને પોતાની ખબર ન હોય કે મારો જીવ કાળો છે, ગોરો છે, લાંબો છે કે ટૂંકો છે તો પણ મોટા પુરુષમાં ખોટ્ય કાઢે છે. એ મોટા પુરુષ તો અલૌકિક દૃષ્ટિએ ર્વત્યા કરે છે તેની જીવને શું ખબર પડે? એ તો જ્યારે એને અલૌકિક દૃષ્ટિએ વર્તાય ત્યારે મોટા પુરુષની ખબર પડે પણ આ લોકની દૃષ્ટિએ વર્તે તેને ખબર ન પડે. ચોર હોય તે બીજાને પણ પોતા જેવો જાણે, તેમ મોટા પુરુષમાં જેને દોષ જણાય છે તે દોષ તો તેના પોતામાં જ છે. એ તો જ્યારે પોતાની અલૌકિક દૃષ્ટિ થાય ત્યારે જ ભગવાન ને ભગવાનના ભક્તની રીત જાણવામાં આવે. માટે જેને એવા સાથે હેત બાંધ્યું હોય તેને એવું થાય. મોટા પુરુષ સાથે હેત બંધાય ત્યારે એ એમ સમજાવે કે તું દેહ નહિ, તું તો બ્રહ્મરૂપ થકો મૂર્તિમાં છું. પછી હેતે કરીને એ વચન મનાય અને હા પડે. ઓળખાણ થઈ એટલે હેત થયું ને એકપણું મનાણું. તેમ આપણે મોટા સાથે એકતા થાય ત્યારે જ મહારાજ ઓળખાય. આવી ઓળખાણ ને સમજણ થઈ, પછી દેહ સ્વભાવ રાખે તો સમજણ પડી જ નથી ને કહેનારા સાથે હેત બંધાણું જ નથી. માટે ખબર રાખવી કે આપણે કોના થયા છીએ ને કોનો ચાંદલો છે. આપણે દેહનું ધાર્યું તો ઘણાં ય દિવસ કર્યું પણ કાંઈ વળ્યું નહિ. તે માટે હવે તો મહારાજની મૂર્તિમાં જોડાઈ રહીને મહારાજના ઠરાવે ઠરાવ રાખવા એ કરવું. ॥ ૧૪૮॥