વાર્તા : ૩૯
સોમા ભક્તે પ્રશ્ન પૂછ્યો જે, પારસ અડે એટલે તુરત પારસ થાય છે, તેમ મૂર્તિનો સંબંધ થતાં જ જીવ દિવ્ય થઈ જવો જોઈએ, પણ દિવ્ય થવામાં ફેર રહે છે તેનું શું કારણ? ત્યારે સ્વામી બોલ્યા કે લોયાના સાતમા વચનામૃતમાં સંબંધના ત્રણ પ્રકાર કહ્યા છે, તેમ પારસના સંબંધનું પણ જાણવું. જેમ ગોટલો વાવ્યો ત્યારથી આંબો કહેવાય, પણ ધીરે ધીરે પાંદડાં તથા મોર આવે, પછી ફળ થાય ને આંબે કેરી આવે. તે પણ પ્રથમ તો નાની હોય, પછી થોડે થોડે મોટી થાય, પછી સાખ પડે તો પણ તેમાં ખટાશ તો હોય. એ તો જ્યારે પકવે ત્યારે મીઠી થાય. જે કેરી વખારમાં ન પડી હોય અને એમ ને એમ પાકી હોય તે કેરીમાં ખાંડ જોઈએ; પણ જે વખારમાં પડી હોય તે કેરીના રસમાં ખાંડ ન જોઈએ. માટે જ્યાં સુધી વખારમાં ન પડી હોય ત્યાં સુધી મીઠી ન થાય. કેરી તો એની એ હતી, પણ વખારમાં નહોતી પડી ત્યાં સુધી મીઠી થવાનું બાકી હતું; તેમ સમાગમ કરતાં કરતાં સિદ્ધ તથા સર્વજ્ઞ થાય અને મૂર્તિના સુખે સુખિયો થાય, ત્યારે પારસના જોગે પારસ થયો જાણવો. મહારાજની મૂર્તિમાં રસમાત્ર રહ્યા છે, પણ કામ ક્રોધાદિમાં તો લગારેય રસ નથી. ઊલટું દુઃખ જ જણાય છે. એમ જાણી એ સર્વનો ત્યાગ કરી મૂર્તિ વિના બીજે ક્યાંય માલ માનવો નહિ. ॥ ૩૯ ॥