વાર્તા : ૮૯

0:000:00

ઢાંકે તે શરીરી અને ઢંકાય તે શરીર કહેવાય. તેમ મહારાજ આગળ જીવ, ઈશ્વર, અક્ષરાદિ બધા ય પરતંત્ર છે અને મહારાજનાં અન્વય સ્વરૂપનાં શરીર છે અને મહારાજ તેમના શરીરી છે; આમ સમજાય તેને છેડો આવ્યો. મહારાજની મૂર્તિરૂપી ફળ હાથ આવ્યું એટલે પોતે મહારાજને લઈને દિવ્ય થયો અને મૂર્તિનો સુખભોક્તા થયો. વીજળીનો સંચો ચાલે છે પણ જ્યાં ઢાંકેલી બત્તી હોય ત્યાં અજવાળું થતું નથી અને જ્યાં ઉઘાડી બત્તી હોય ત્યાં પ્રકાશ થાય છે, તે ઉઘાડી અને ઢાંકેલી બત્તી કેમ? તો કહેનારનો વિશ્વાસ હોય તો ઉઘાડી બત્તી જેવું છે અને કહેનારનો વિશ્વાસ ન હોય તો ઢાંકેલી બત્તી જેવું છે. સભામાં વાતો થતી હોય ત્યારે વિશ્વાસવાળો જાણે કે આ આપણી વાત છે અને વિશ્વાસ વિનાનો હોય તે જાણે કે આ બીજાની વાત છે, પણ જેને નાસ્તિકપણું છે તેને તો મહારાજ ઓળખાતા જ નથી, તે નાસ્તિકપણું કાઢે એટલે સર્વે જાય. એ નાસ્તિકપણું શું? તો દેહભાવ છે એ જ નાસ્તિકપણું છે. કોઈ કહે કે એ કેમ જાય? તો જેમ સાધુએ સંસાર મૂક્યો તો ગયો, તેમ જન્મ બદલી નાખે તો જાય. તે જન્મ કેમ બદલાય? તો મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે એવું જ સર્વે ક્રિયામાં અખંડ અનુસંધાન રહે અને દેહ હાલેચાલે છે તે તો બીજાને દેખવા માત્ર છે પણ તેના કર્તા મહારાજ છે, એમ જ્યારે સમજાય ત્યારે જન્મ બદલાણો કહેવાય અને એમ જાણવું જે મહારાજ હોય ત્યાં દેહ ન હોય અને જ્યાં દેહ હોય ત્યાં મહારાજ ન હોય. એ તો જેમ રાત્રિ-દિવસ ભેગા રહેતા નથી તેમ. માટે દેહભાવ મૂકી દેવો, ને મહારાજ રાખવા. ॥ ૮૯ ॥