વાર્તા : ૬૭

0:000:00

આપણે શ્રી પુરુષોત્તમનારાયણના રાજ્યમાં છીએ પણ વૈરાટના રાજ્યમાં નથી એમ જાણવું, અને નિત્ય પ્રત્યે કથા વાર્તા કરીએ છીએ તે શું કરવા? તો પોતાના ઠરાવ કાપવા તથા માયાનો નાશ કરવા, પણ કોઈને દેખાડવા સારુ કરતા નથી. મોટા મુક્ત એમ કહે છે કે મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ રાખવું નહિ અને મૂર્તિ જ રાખવી. દુર્વાસા ઋષિને કેટલીય ગોપીઓ વાંસના સૂંડલામાં થાળ ભરી ભરીને જમાડવા ગયેલ, તે સર્વે જમી ગયા અને પ્રસાદી પણ ન મૂકી; તો પણ ઉપવાસી કહેવાણા. તે થાળ જમાડવા જતાં 'શ્રીકૃષ્ણ ભગવાન સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો,' એમ જમુનાજીને કહેલ, તેથી માર્ગ થયો હતો. પણ પાછા વળતી વખતે ગોપીઓ કહે, 'હવે અમે ઘેર કેમ કરીને જઈએ?' ત્યારે એ ઋષિ બોલ્યા જે હવે જમુનાજીને એમ કહેજો કે, 'દુર્વાસા સદા ઉપવાસી હોય તો માર્ગ દેજો.' પછી ગોપીઓએ તેમ કહ્યું અને જમુનાજીએ માર્ગ દીધો, ત્યારે આશ્ચર્ય મનાણું! પણ શ્રીકૃષ્ણ ભગવાન તથા એ ઋષિનો મહિમા જેમ છે તેમ જાણી ન શક્યાં. તેમ આજ સત્સંગમાં મુક્ત થાય તેને માયારૂપી નદી માર્ગ દે છે તે કેવી રીતે માર્ગ દીધો કહેવાય? તો મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે એમ જીવમાં હા પડે એટલે માર્ગ દીધો કહેવાય. અત્યારે તો એવું છે કે આંખો મીંચીને બેઠા કે ધામમાં પેઠા. તેમાં જનારને દાખડો નહિ તેમ લઈ જનારને પણ દાખડો નહિ. એ તો જેમ સૂર્યનાં કિરણો જળ ખેંચે છે તેમ મહારાજના તેજે કરીને ચૈતન્ય ખેંચાઈ જાય છે, એટલે ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચે છે. પણ જો મૂર્તિ વિના જીવને બીજે રાગ રહ્યા હોય તો મૂર્તિનું સુખ પ્રાપ્ત ન થાય. ગુજરાતમાં પરદેશી મોટી કેરીઓ આવે છે, તે કેરીઓના ગોટલામાં બગાઈ જેવું જીવડું નીકળે છે; તેને રસનો અને છોતરાંનો સ્વાદ ન આવ્યો અને ગોટલામાં સુખ મનાણું તેમ મહારાજને મૂકીને આપણને બીજે સુખ મનાય તો તે એવું છે.

સત્સંગ તો સર્વ કરે છે, પણ જ્યાં સુધી છેડો હાથ ન આવ્યો ત્યાં સુધી સત્સંગ પાર પડે નહિ. માટે છેડો જે મહારાજની મૂર્તિ તે હાથ આવે એમ કરવું, એટલે પૂરું થઈ જાય અને સત્સંગ પાર પડ્યો કહેવાય. 'સુખ સહેજે અને દુઃખ દાખડે' એવું છે, પણ જીવને એવો સ્વભાવ પડી ગયો છે કે તે ખરા સુખનો અનુભવ કરતો નથી અને દુઃખમાં સુખ માની બેઠો છે. એટલે દેહાભિમાન મૂકતો નથી ને તેથી સુખ આવતું નથી. ॥ ૬૭ ॥