વાર્તા : ૧૦૪

0:000:00

મહારાજ જીવના કર્મને બાળે તો જ પાર આવે, પણ ભોગવાવે તો પાર ન આવે. જેમ ખેડુ સૂડ કાઢે છે, પછી તેને બાળે ત્યારે જ પાર આવે છે. આવું સમજે ત્યારે જ મહારાજનો મહિમા સમજાણો કહેવાય. જીવના ગુરુ તો પોતાને જ થાવું. આપણે શું કરવા આવ્યા છીએ ને શું થાય છે અને આ પળમાં ને આ ઘડીમાં મરી જાવું છે એવું જાણપણું રાખવું. તે મહારાજે કહ્યું છે કે અમારે સદાય અંત અવસ્થા જેવું વર્તે છે તેમ એ જાણપણું રાખવું. તેથી મહારાજની મૂર્તિમાં મુક્ત રહ્યા છે તે ભેગું રહેવાય અને જોવું કે આને આની વાસના ટળી છે કે નથી ટળી. પછી ટળી હોય તેનો સમાગમ કરીએ તો આપણી ટળે. પણ જેને ભરપુર વાસના હોય તે બીજાની શું ટાળે? માટે તપાસીને યોગ કરવો. જેને વાસના ટળી ગઈ હોય તેને તો સત્સંગ બધો પ્રફુલ્લિત જણાય પણ જેને માંહી વાસના હોય તે તો બોલતા ચાલતા એમ કહે કે હવે સત્સંગમાં કાંઈ નથી. જેમ ઝાડ વધતું હોય તેનાં પાંદડાં લીલાં ને શોભિત હોય, ને જે ઘટતું હોય તેનાં પાંદડાં નીચાં લબડી રહે ને સુકાવા માંડે, એમ કેટલાક અનેકનાં કલ્યાણ કરે એવા હોય ને કેટલાક તો પોતાનું પણ ન કરી શકે તેવા હોય તે જાણી રાખવું. અત્યારે તો સત્સંગમાં બહુ બળ છે તે વધે જ જાય છે ને હજારો મૂર્તિમાં જોડાતા જાય છે, તે બધો મહારાજનો પ્રતાપ છે. ॥ ૧૦૪ ॥