વાર્તા : ૧૦૫

0:000:00

સત્સંગ કરવો તે કેવળ કલ્યાણને અર્થે કરવો પણ આ લોકના સુખ સારુ ન કરવો, અને દેહ તો પોતાનો માનવો જ નહિ. ગધેડો હોય તે 'હું છું, હું છું' બોલે પણ તેની કિંમત કાંઈ નહિ. એ બોલે ત્યાંથી જ ઓળખાય અને ઘોડું બોલે તે કેવું 'હોય, હોય,' તેથી તેનું મૂલ્ય વધારે હોય છે. માટે ભગવાનના ભક્તને બહુ જ વિચારવું. જેને પુત્ર નબળો પાક્યો હોય તે બાપ જાણે કે આ ક્યારે મરી જાય. એમ દીકરાને દેખીને બાપને દુઃખ થાય તેવા ન થાવું, દેખીને રાજી થાય તેવા થવું. તેમ મહારાજ આપણને જોઈને રાજી થાય તેમ કરવું. તે ક્યારે રાજી થાય? તો પુરુષોત્તમરૂપ થઈ મૂર્તિમાં જોડાઈને સુખભોક્તા થવાય તો રાજી થાય. મનુષ્ય દેહ તો મોક્ષના દરવાજારૂપ છે, પણ અજ્ઞાને કરીને પંચવિષયમાં રાગ રહે છે તેથી દુઃખ પામે છે. જેમ હોલી ને હોલો ઘરને વિષે આસક્ત થઈ રહ્યાં હતાં તો પારધીએ મારી નાખ્યાં, તેમ આપણે દેહરૂપ ઘરને વિષે આસક્ત ન થવું, પણ તેણે કરીને ભગવાન ભજી લેવા. આહાર, નિદ્રા, ભય ને મૈથુન તે તો પશુ, પંખી, મનુષ્ય સર્વમાં છે, તેણે કરીને માણસ ન કહેવાય, પણ દેહથી પોતાનું રૂપ નોખું માની બ્રહ્મરૂપ થઈને મહારાજની મૂર્તિમાં જોડાવારૂપ જ્ઞાન હોય ત્યારે જ માણસ કહેવાય. આવું જ્ઞાન ન હોય તેને પશુ જાણવો. છ લાખ ને ચોરાશી હજાર નરકના કુંડ છે, તે કરતાં કુંભીપાક નામે નરક બહુ કઠણ છે, તેથી પણ ગર્ભવાસનું દુઃખ બહુ જ કઠણ છે. માટે મનુષ્યનો દેહ મળ્યા પછી ગર્ભવાસ રહે તેને આત્મહત્યારો કહ્યો છે. આ સમે જો ભગવાન ભજવાનું બાકી રહેશે તો પછી મનુષ્ય દેહ આવવો બહુ દુર્લભ છે. આ નાવરૂપ દેહને હાંકનાર સંત ખેવટિયા છે અને અનુકૂળ વાયરાને ઠેકાણે ભગવાન છે. તે ભગવાન અનુકૂળ કેવી રીતે? તો હાથ, પગ, નાક, કાન આદિ સર્વ ઇંદ્રિયો જીવને આપે છે, તો પણ જે ભગવાન ભજતો નથી તેને આત્મહત્યારો થયા પછી તેને મનુષ્યદેહ મળવો દુર્લભ છે. માટે અમથો કોઈને દેહ પડે તેણે કરીને કલ્યાણનો માર્ગ બંધ ન થાય પણ અયોગ્ય આચરણ થઈ જાય ને આત્મઘાત કરે તો કલ્યાણનો માર્ગ બંધ થાય. તે માટે શિક્ષાપત્રીમાં મહારાજે ના પાડી છે એ વિચારવું. આત્મઘાત ન કરવો. દસ મણ દૂધનો દૂધપાક કર્યો હોય ને તેમાં જો સર્પની લાળ પડી તો તે ન પીવાય ને પીવે તેના પ્રાણ જાય. કેમ કે તે દૂધ હતું પણ ઝેર થઈ ગયું. તેમ આ લોકભોગ કલ્યાણના માર્ગમાં વિરોધી છે તે જાણી રાખવું. બાજંદ રાજાની સવારી ચાલી જતી હતી ત્યાં માર્ગમાં મરેલ ઊંટ પડ્યો હતો. તેથી સવારી ઊભી રહી. રાજાએ પૂછ્યું, 'સવારી ક્યું ખડી રહી?' ત્યારે કહે, 'ઊંટ મર ગયા.' પછી તે મરેલા ઊંટને જોઈને રાજાએ પૂછ્યું, 'સબ નાક-કાન તો હૈ, ઇસમેં ક્યા મર ગયા?' તો કહે, 'પવન ચલે ગયા.' રાજા કહે, 'અપને બી એસા?' ત્યારે કહે, 'હા.' પછી રાજા કહે, 'એસા કબ ન હોવે?' તો કહે, 'તપ કરે તો ન હોવે.' આથી રાજાએ ફકીરી લીધી અને રાજપાટનો ત્યાગ કર્યો. તે આપણે તપાસવું. આ તો સ્વપ્ન જેવું છે. એક ગરીબ હતો. તેને સ્વપ્ન આવ્યું કે હું રાજા થયો છું, પણ સ્વપ્નમાં રાજ્ય ક્યાં સુધી રહે? તેમ આપણે આ મોટું સ્વપ્ન આવ્યું છે. માટે આવું જ્ઞાન જેને હોય તે માણસ; અને આવું જ્ઞાન જેને ન હોય તે પશુ તુલ્ય જાણવો. ॥ ૧૦૫ ॥