વાર્તા : ૧૭૪

0:000:00

ગામ કેસરડીમાં સ્વામીશ્રી પધાર્યા હતા ત્યાં સભામાં વાત કરી જે, પોતાને મળી જે મૂર્તિ તેમાં આપોપું કરી તે જ પોતાનું સ્વરૂપ માનવું, પછી તેનું મનન કરતાં કરતાં તે મૂર્તિ દિવ્ય તેજોમય છે એવો ભાવ આવે ત્યારે એ દિવ્ય મૂર્તિના યોગે કરીને પોતાનો દેહભાવ પણ જાય. પછી મહારાજ એ મુક્તને જેટલું સુખ આપવું હોય તેટલું આપે.

પછી વળી સ્વામી બોલ્યા જે, જેમ બાપનું કમાયેલું જે ખાય તે ટાઢું ખાધું કહેવાય અને પોતે કમાઈને ખાય તે ઊનું ખાધું કહેવાય. તેમ મહારાજ તથા મોટા મુક્તોએ ચમત્કાર જણાવી દર્શન સુખ આપ્યાં હોય તેની વાતો કરવી એ ટાઢું જમ્યા જેવું કહેવાય અને મહારાજનું ધ્યાન કરતાં મૂર્તિમાંથી નવાં નવાં સુખ આવે તે ઊનું જમ્યા જેવું કહેવાય. કદાપિ મોટા મુક્ત બીજાના સમાસને અર્થે થઈ ગયેલા ચમત્કાર પ્રતાપની વાતો કરતા જણાતા હોય તો પણ તેમને મૂર્તિના દિવ્ય સુખમાં જ આનંદ હોય.

આપણે મહારાજ તથા મુક્ત એ બેનું જ વર્ણન કરવું, કેમ કે એ વિના બીજા કોઈ પાસે આત્યંતિક મોક્ષ નથી. આ બેયને સદાય ભેળીસારો છે એટલે બે નામ લેવાય છે પણ કર્તા તો એક મહારાજ છે, માટે મુક્તભાવ આવ્યા પછી તો એક મૂર્તિ જ છે; એમ જાણી મહારાજે મને મૂર્તિમાં નખશિખ પર્યંત સળંગ દિવ્ય તેજોમય કરીને રાખ્યો છે એ ભાવ આવે ત્યારે શાશ્વત શાંતિ; એટલો જ સત્સંગ કરવાનો છે. તે થાય છે કે કેમ? તે તપાસવું, તે વિના બાકી રહેતું હોય તો ખબડદાર થઈને કરી લેવું ને ત્યારે મહારાજ અને મોટા રાજી થાય. ॥ ૧૭૪ ॥