વાર્તા : ૩
શ્રીજીમહારાજમાં એવું સાર્મથ્ય છે કે એક સંકલ્પ માત્રે ધારે તેમ કરે. એક વખત મહારાજે કૃપા કરી સંતોને કહ્યું કે તમો અમારા સંકલ્પ છો; એમ કહેતાંની સાથે જ સંતોને એ વાત સમજાઈ ગઈ. આમ વિશ્વાસ હોય તો હા પડે, એટલે પૂરું થયું જાણવું. પછી સ્વામીએ સંતોને પૂછ્યું કે મહારાજે સંતોને અમારા સંકલ્પ છો એમ કહ્યું તે સંકલ્પ ચૈતન્ય થયો કે પોતે થયા? તેનો ઉત્તર કોઈ કરી શક્યા નહિ. ત્યારે સ્વામી બોલ્યા જે મહારાજ પોતે જ રહ્યા, એટલે દેખાવ પોતાનો થયો અને તેના ચૈતન્યને મૂર્તિમાં રાખ્યો એટલે પોતે દેખાયા; એ જ સંકલ્પ છે. જેમ કાગળની નોટના રૂપિયા આવે છે તે કાંઈ કાગળના આવે છે? ના, એ તો રાજાએ પોતાના સિક્કાના નંબર પાડ્યા એ જ રૂપિયા છે, પણ કાગળના રૂપિયા નહિ. જો એ નંબર લઈ લે તો કાગળનું કાંઈયે ન ઊપજે. તેમ મહારાજ પોતે સંકલ્પરૂપ થયા અને તેના ચૈતન્યને મૂર્તિમાં રાખીને પોતાનો દેખાવ કર્યો, એમ જ્યારે હા પડી પછી એ મુક્ત એમ જાણે જે હું સદાય સાકાર દિવ્ય મૂર્તિમાન થકો મહારાજની મૂર્તિમાં છું ત્યારે જ મુક્ત થયો એમ જાણવું. ॥ ૩ ॥