વાર્તા : ૮૭

0:000:00

મહારાજ અણુ અણુમાં રહ્યા છે એ વાતની હા પડે, પણ કેમ હોય તો અણુ અણુમાં રહ્યા કહેવાય? એ વાતની જો ખબર ન હોય તો વાચ્યાર્થ કહેવાય. મહારાજ સ્વામી ને પોતે સેવક, મહારાજ સુખના દાતા ને પોતે ભોક્તા, એમ થાય તો લક્ષ્યાર્થ કહેવાય. માટે ખટકો બહુ રાખવો ને કરવાનું કરી લેવું. આપણે વર્તમાન ધરાવ્યા ત્યારે તન, મન, ધન અર્પણ કરેલું છે તે પાછું કોઈ દિવસ આપણું માનવું નહિ. તે કેવી રીતે? તો મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે તેથી સર્વ મહારાજનું જ છે, એમ મનાય ત્યારે અર્પણ કર્યું કહેવાય. તે વિના વર્ણાશ્રમ સંબંધી ઉપલા ધર્મ પાળે તેણે કરીને શું થાય? એ તો જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે નહાવું, ધોવું ને પવિત્રપણે રહેવું; એ ધર્મે આ લોકમાં કીર્તિ થાય, પણ કલ્યાણ ન થાય. કલ્યાણ તો ભાગવત ધર્મે કરીને જ થાય. ॥ ૮૭ ॥