વાર્તા : ૧૬

0:000:00

સભામાં હરિભક્તોએ સ્વામીશ્રીને પૂછ્યું જે તન, મન, ધન અર્પણ કરે એટલે પોતાનું કાંઈ રહે નહિ. પછી તેમાંથી કોઈ પાછું લે તેનું પાપ કે નહિ? ત્યારે સ્વામી કહે જે, જેને મહારાજ અથવા મોટા મળે અને વર્તમાન ધરાવી અનાદિમુક્તની પંક્તિમાં રાખે તે તન, મન, ધન અર્પણ કર્યા પછી કયા હાથે વસ્તુ લઈ શકે? કેમ કે તન અર્પણ કર્યું તે ભેળા હાથ પણ અર્પણ થઈ ગયા, માટે લઈ શકાય જ નહિ, અને લે તો તેણે કાંઈ અર્પણ કર્યું જ નથી. અને એકાંતિક હોય તેણે તન, મન, ધન અર્પણ કર્યાં કેમ કહેવાય? તો કોઈ વંદે, નિંદે, પૂજા કરે તેનો સમભાવ થઈ જાય અને કામાદિક દોષ વ્યાપે નહિ ત્યારે તન અર્પણ કર્યું કહેવાય. મન અર્પણ કર્યું ક્યારે કહેવાય? તો પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈ ધૂળ તથા કાંકરા નાંખે તો જેવું વસમું લાગે તેવું મૂર્તિ વિના બીજું મનન થાય તો વસમું લાગે ત્યારે મન અર્પણ કર્યું કહેવાય. ધન અર્પણ કર્યું ક્યારે કહેવાય? તો દશાંશ વિશાંશ શ્રી ઠાકોરજીને અર્પણ કરે અને પોતાના ઘરનું દ્રવ્ય હોય તે પણ કુમાર્ગે ન વાપરે તો ગૃહસ્થે ધન અર્પણ કર્યું કહેવાય. અને ત્યાગી તો પોતાનું કાંઈ છે જ નહિ એમ વર્તે અને કોઈ વસ્ત્રાદિકે સેવા કરે તે પણ ધર્મામૃત પ્રમાણે રાખે અને તેથી અધિક જણાય તો જે મંદિરમાં પોતે રહેતા હોય ત્યાં ઠાકોરજીના કોઠારે આપી દે. એવી રીતે પોતાપણું ન રાખે તો ત્યાગીએ ધન અર્પણ કર્યું કહેવાય. ॥ ૧૬ ॥