વાર્તા : ૧૨૦
આ સંસારમાં કેટલાંક અણઇચ્છ્યાં દુઃખ આવી પડે છે, માટે અહિ ક્યાંય સુખ નથી. 'સુરલોક, નરલોક, નાગલોક, એ તીનમેં સુખ નાહિ; કાં સુખ હરિ કે ચરનમેં, કાં સંતન કે માંહી.' માટે ક્યાંય સુખ નથી. સુરલોકમાં અમૃતપાન કરવાનું પણ શાંતિ નહિ અને બીજાને મારવું તે મરે જ નહિ. એ રીતે મોટા મોટાથી ભગવાન ભજાય તેમ નથી. 'બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું.' માટે મૂર્તિમાં જોડાણા તેની મોટપ ગણો તો પારાવાર છે. બીજાની મોટપ તો કાંઈ કામની નથી. જેમ રાજરજવાડાં કરતાં દેવલોકનું સુખ અધિક તેથી બ્રહ્માનું, તેથી પ્રકૃતિપુરુષનું, તેથી બ્રહ્મનું અને અક્ષરનું અધિક, તેથી પર મુક્તો છે, તે અખંડ મૂર્તિના સુખમાં રહ્યા છે માટે તેનાથી કોઈ મોટા નહિ. આવું વિચારીને જે એવા મોટા હોય તેની સાથે હેત કરીને આ સંસારથી વિરક્ત થાવું. ॥ ૧૨૦ ॥