વાર્તા : ૭૯
શ્રી પુરુષોત્તમનારાયણ અને તેમના સંકલ્પ સ્વરૂપ એમાં ફેર કેમ સમજવો? કેમ કે શ્રી પુરુષોત્તમનારાયણ પણ એ કામ કરે અને સંકલ્પ સ્વરૂપ પણ એ કામ કરે. ત્યારે સ્વામી કહે કે ફેર એટલો કે સંકલ્પ સ્વરૂપ અનેક, અને સંકલ્પના કરનારા એક શ્રીજીમહારાજ; પણ વસ્તુ જુદી નહિ. પછી સોમાભક્તે પૂછ્યું જે, શ્રી પુરુષોત્તમ અને સંકલ્પ સ્વરૂપ તે બેના સમાગમ કરનારાને અધિક-ન્યૂન કહેવાય કે નહિ? અને સમાગમ કરનારાને ખબર પડે જે આ સંકલ્પ મૂર્તિ છે કે મૂળ મૂર્તિ છે? ત્યારે સ્વામી બોલ્યા જે એને સુખ સરખું છે. વસ્તુ એક જ છે પણ એ વાત તો જેને પુરુષોત્તમ ભગવાન સમજાવે તેને જ સમજાય અને જે મુક્ત મૂર્તિના સુખે સુખિયા થયા છે તેને તો મૂળ મહારાજ જ છે, પણ સંકલ્પ છે એવો ભાવ જ નથી.
પછી વળી સોમાભક્તે પૂછ્યું જે, આ મહારાજના સંકલ્પ છે એમ મહારાજ પોતે સમજાવે છે તેનું શું કારણ હશે? ત્યારે સ્વામી કહે એવા ઝાઝા સ્વરૂપે મહારાજ પોતાનો મહિમા સમજાવે તેણે કરીને સાધનદશાવાળાને સમાસ બહુ થાય. પછી ઐશ્વર્ય પ્રતાપ જોઈને આશ્ચર્ય પામે અને મૂર્તિમાં જોડાય ત્યારે એક જ રૂપ ભાસે છે; પછી તો એને એક પુરુષોત્તમ જ છે એમ વર્તે ત્યારે સિદ્ધદશાવાળા જાણવા.॥ ૭૯ ॥