વાર્તા : ૧૨૨
સવારની કથામાં સાધુ ચૈતન્યદાસજી વચનામૃત વાંચતા હતા ત્યારે નાર ગામના સુતાર પરસોત્તમભાઈ દર્શને આવ્યા. તેમણે વાત કરી જે, બાપાશ્રીના જોગે મહારાજ ઓળખાયા, માટે મુક્ત મળે તો જ મહારાજ ઓળખાવે. પછી સ્વામી બોલ્યા કે મહારાજ કે મુક્ત મળે તો જ મહારાજનો નિશ્ચય થાય, પણ સમજનાર પોતે દેહરૂપ હોય ત્યાં સુધી મુક્ત નિશ્ચય કરાવે છે એમ બોલે ને સમજદાર પોતે એમ જાણે કે હું મૂર્તિમાં રહ્યો છું એટલે એ મુક્ત ન દેખે, પછી તો મહારાજ દેખે. આમ મહારાજના જોગે મહારાજ ઓળખાણા એમ જાણવું; એમ દિવ્ય ભાવ રાખવો. પરસોત્તમભાઈએ પીજના હરિભક્તની વાત કરી કે તે ઘણા તપસ્વી ને ધર્મ-નિયમે યુક્ત હતા ને ધ્યાન બહુ કરતા. તે મહારાજનું ધ્યાન કરે ત્યારે બાપાશ્રી સાથે દેખાય ને બાપાશ્રીના ગામમાં કોઈક હરિભક્ત બાપાશ્રીને તેડવા જાય તે સર્વે ત્યાં રહ્યા દેખીને વાત કરે. તેને એક સમયે બાપાશ્રીએ સ્વપ્નમાં આવીને ચરણાર્વિંદ તથા માળા-કંઠી એ આદિ આપ્યાં ને પાછાં લઈ લીધાં. આવું જોઈ તેણે બાપાશ્રીને કચ્છમાં કાગળ લખ્યો કે આમ કેમ કર્યું? આપીને લઈ લીધું? બાપાશ્રીનો તેમને પ્રત્યક્ષ મેળાપ થયેલ નહિ તો પણ આવું થયું, એમ છતાં પ્રત્યક્ષ દર્શન કરીને સમાગમ ન કરી શક્યા તેથી ધ્યાનમાં જે સુખ આવતું હતું તે જતું રહ્યું. ત્યારે સ્વામી બોલ્યા કે એવું સુખ આવતું હતું તો પણ મહિમા જાણી જોગ ન કરી શક્યા એ કેવું કહેવાય? માટે મહારાજના મુક્તને ઓળખી રાજી કરવા જોઈએ અને જે એવા મોટાને સેવા સમાગમે રાજી કરે છે તેને તો પૂર્વના ભારે બીજબળવાળા જાણવા. ॥ ૧૨૨ ॥