વાર્તા : ૫૨

0:000:00

ત્યાગી થઈને મહારાજના વચન પ્રમાણે ન વર્તાય તો બહુ જ મોટી ખોટ આવે. મહારાજ પાસે પહોંચવું હોય તેને એવો વિચાર કરવો જોઈએ કે હું કયા આશ્રમમાં છું. એવું ન વિચારે ને હું ત્યાગી છું એમ માની જેટલું પ્રથમ રાખતો હતો તેટલું ને તેટલું રાખી રહે તો પછી શું ત્યાગ્યું? તેનો વિચાર રાખવો. કોઈ માણસ સંન્યાસી થઈ પાછો પોતાને ગામ ગયો ત્યારે ગામના માણસો નોતરાં દઈ જમાડવા મંડ્યાં. એક દિવસ તેમના ઘરના માણસે પણ નોતરું દીધું. એટલે પોતાને ઘેર જમવા ગયો. ત્યાં તેના ઘરના માણસે ઘેંસ પીરસી પણ તેને એ ભાવી નહિ, તેથી તેની સ્ત્રીને કહ્યું જે આ તો સારી નથી લાગતી, ઓલ્યો મારો ઝોળો લાવ. પછી તેણે ઝોળો આપ્યો તેમાંથી મીઠાઈ, અથાણાં અને બીજો માલ પણ કાઢ્યો. પછી તેની સ્ત્રી કહે, સ્વામીજી! આમાં તો બધું ય છે, એક હું નથી; મેં શું ગુનો કર્યો છે? પછી તો એ ઘેર જ રહી ગયો. એવું ન કરવું, પણ ખરા ત્યાગી થવું. ॥ ૫૨ ॥