વાર્તા : ૧૪૯

0:000:00

મહારાજ અને મુક્ત રસબસ ભાવે ભેળા જ છે. માટે જે મૂર્તિમાં રહ્યા છે તેને તો એક મહારાજ જ છે. મૂર્તિમાં રહેતા હોય તેને કોઈ કહે જે તમે દેહરૂપ છો તેને સારું ન લાગે. એ તો એને કલંક દીધું, માટે તેને દેહરૂપ ન કહેવાય. એ મુક્તને તો એવા વચનનું કાંઈ હોય નહિ, કેમ કે ત્યાં એવી વસ્તુ જ નથી. અને પોતે મહારાજના સુખે સુખિયા છે માટે તે એમ જાણે જે આ દેહરૂપ કહે છે તે તો ખબર વિના બોલે છે, એમ જાણીને ખોટું ન લગાડે પણ કહેનારને ખોટ્ય આવે ખરી. કેમ કે એમના અપરાધે મહારાજનો અપરાધ થાય. દેહભાવ કાઢ્યો એટલે શું રહ્યું? તો એક મહારાજ જ રહ્યા ને કસર ગઈ પછી એક મહારાજ ને પોતાનો આત્મા રહ્યો તે તો છે, છે ને છે જ. એમ ક્યારે મનાય, તો મૂર્તિમાં રહ્યા હોય તેને બોલનાર ચાલનાર મહારાજ જ છે એમ જાણે તો તરત મનાય. એ તો જે ઓળખે તેને જેટલું લેવું હોય એટલું સુખ આપે છે. એ સુખ ખૂટે તેવું નથી તેમ કોઈ લૂંટે તેવું નથી. મહારાજની મૂર્તિમાં રહ્યા હોય તે એમ જાણે છે જે મહારાજ જ બોલે છે અને મહારાજનો મહિમા કહેવાય છે, અને સાંભળનારા પણ જો એમ જાણે જે આ તો મહારાજ જ બોલે છે અને મહારાજનો મહિમા કહેવાય છે તો બેયને સમાસ. ॥ ૧૪૯ ॥